(એજન્સી) ઉજ્જૈન, તા.ર૦
ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમજ ઉમેદવારોનો જનસંપર્ક વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન કેટલાક ઉમેદવારોને જનતાનું ભરપૂર સમર્થન મળી રહ્યું છે તો કેટલાકને જનતા કોઈ માન આપી રહી નથી. તેમાં સત્તાધારી પાર્ટીના ધારાસભ્યોનો વિરોધ વધુ થઈ રહ્યો છે. વર્તમાન મામલો ઉજ્જૈનમાં સામે આવ્યો છે, જ્યાં જનસંપર્ક દરમિયાન પાસે મત માંગવા નીકળેલા ભાજપ ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય દિલીપસિંહ શેખાવતને જનતાના વિરોધનો સામનો કરવો પડ્યો. અહીં એક યુવકે તેમને ચંપલની માળા પહેરાવી દીધી, તેનાથી શેખાવત અને સમર્થક રોષે ભરાયા અને તે યુવકને માર માર્યો હતો. ઘટના પછીથી જ શહેરમાં તેની ચર્ચાઓ થઈ રહી છે, ત્યાં પાર્ટી નેતાઓમાં પણ હોબાળો થઈ ગયો છે. જનતામાં વિકાસ ના થવા પર ગંભીર આક્રોશ પ્રસરેલો છે અને સમય સમયે રાજકીય પાર્ટીઓ પર તેમનો ગુસ્સો દેખાઈ રહ્યો છે. ચૂંટણી પહેલાં આ વિરોધ સરકારને ભારે પડી શકે છે. યુવકની ઓળખ ખેડાવદા ગામના સરપંચના સંબંધી તરીકે થઈ છે. ઘટના અંગે શેખાવતે જણાવ્યું કે, આ કોંગ્રેસ ઉમેદવાર દિલીપ ગુર્જરનું ષડયંત્ર છે.