(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૧૩
જૂનાગઢ જિલ્લામાં માણાવદર પંથકના ઈન્દોરા ગામે મહિલાની મશ્કરી કરતાં સામસામી બોલાચાલી થઈ હતી. ત્યારબાદ કોળી જૂથો સમાધાન માટે ભેગા થયા હતા. જેમા માથાકૂટ થઈ હતી. ત્યારબાદ સશસ્ત્ર અથડામણ થતાં કાકા-ભત્રીજા સહિત ચાર વ્યક્તિ ઘવાતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં કોળી યુવાનનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. ત્યારે માણાવદર પોલીસે પાંચ શખ્સો સામે હત્યાની કલમ લગાડી તપાસ હાથ ધરી હતી. જ્યારે આજે આ બનાવમાં ઘવાયેલા અન્ય એક વૃદ્ધે સારવાર દરમ્યાન દમ તોડી દેતા બનાવ ડબલ મર્ડરમાં પલટાયો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ માણાવદરના ભીંડોરા ગામે રહેતા રત્ના ભીખાભાઈ કામલપરા નામના ૬૦ વર્ષના વૃદ્ધે ઈન્દોરા ગામમાં રહેતા દિલીપ જેઠા નામના શખ્સની પત્ની સાથે મશ્કરી બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ દિલીપ અને રામા વચ્ચે બોલાચાલી થતાં સમાધાન માટે બધા દિલીપના ઘર પાસે એકઠા થયા હતા.
જે દરમ્યાન બોલાચાલી થતાં દિલીપભાઈ જેઠા અને તેની સાથે પાંચ શખ્સો તલવાર, ધારિયા અને ગુપ્તી વડે તૂટી પડ્યા હતા. આ બનાવમાં રામાભાઈ ભીખાભાઈ કામલપરા (ઉ.વ.૬૦), જયેશ રામાભાઈ કામલપરા (ઉ.વ.૨૫), ભરત નાનજીભાઈ ઝીંઝુવાડિયા (ઉ.વ.૪૦) અને તેના કાકા ધીરૂ કાનાભાઈ ઝીંઝુવાડિયા (ઉ.વ.૫૫)ને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાં ભરતભાઈ કોળી (ઉ.વ.૪૦)એ સારવાર દરમ્યાન દમ તોડયો હતો. માણાવદરની પોલીસે હત્યાનો ગુનો નોંધી પાંચ શખ્સોની શોધખોળ આદરી છે. ત્યારબાદ ગત મોડીરાત્રે રામાભાઈ કામલપરા (ઉ.વ.૬૦)નું પણ સારવાર દમ્યાન મોત નિપજયું હતું. જેથી આ ઘટના ડબલ મર્ડરમાં પરિણમી હતી.