જામનગર,તા.૨
જામજોધપુરના ભોજાબેડીમાં સરકારી ખરાબામાંથી માટી ભરવાની બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું થયું હતું. જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. પોલીસે હત્યા પ્રયાસ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
જામજોધ૫ુર તાલુકાના ભોજાબેડીમાં આવેલા સરકારી ખરાબા પાસે સવારે ભોજાબેડીના જ હુસેન નુરમામદ સમા (ઉ.વ.પ૧) પોતાના ટ્રેકટર તથા જેસીબી વડે માટી ઉપાડવા માટે પહોંચ્યા હતા. આ સ્થળે હાજર ભોજાબેડીના જ અજય બઘાભાઈ ભરવાડ, નાજા બઘા, ભરત બઘા તથા બઘાભાઈ અમરાભાઈ ભરવાડ નામના શખ્સોએ અહીંથી માટી ન ભરતા તેમ કહ્યું હતું. આથી હુસેનભાઈએ આ સરકારી ખરાબો છે, કોઈની માલિકીની જગ્યા નથી તેમ કહેતા આ જગ્યા મેં વાળી લીધેલી છે તેમ કહી ઉપરોક્ત શખ્સોએ પાઈપ તથા ઢીકાપાટુ વડે હુમલો કર્યો હતો અને મામદભાઈને માથામાં કુહાડી ઝીંકી હતી. ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. હુસેનભાઈએ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે ભોજાબેડીના અજય ઉર્ફે અજા સરસિયાએ વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, તેઓની વાડીની બાજુમાં સરકારી ખરાબામાંથી ગઈકાલે હુસેન નુરમામદ, વલીમામદ અલારખા, શબ્બીર વલીમામદ, અફઝલ, યુસુબ જુસા, કાસમ કારા તથા મામદ નુરમામદ નામના સાત શખ્સો માટી ભરતા હતા ત્યારે અજાએ તેઓને રોક્યા હતા. આ વેળાએ થયેલા ઝઘડામાં ઉપરોક્ત શખ્સોએ કુહાડી, ધારિયા, લાકડી વડે હુમલો કરી નાજાભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી.
ઉપરોક્ત બનાવ અંગે પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ પરથી આઈપીસી ૩૦૭ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી છે. પોલીસે મામલા પર અંકુશ મેળવવા ભોજાબેડીમાં બંદોબસ્ત મૂક્યો છે.