અમેરિકા, તા.૧૮
અમેરિકાના હવાઇ આઇલેન્ડ પર આવેલા કિલુઆમાં અત્યાર સુધીનો સૌથી મોટો જ્વાળામુખી ફાટ્યો હતો. જ્વાળામુખી ફાટ્યા પછી તેનો લાવા ૩૦ હજાર ફૂટથી વધારેની ઉંચાઇ સુધી ઉછળ્યો હતો. જ્વાળામુખી ફાટવાથી ઘણાં વિસ્તારોની જમીન પણ ફાટી ગઇ છે. યુએસ જિયોગ્રાફિકલ સર્વેએ આ ઘટનાક્રમની જાણકારી આપતા જણાવ્યું કે જ્વાળામુખી ફાટ્યા પછી આસપાસના લોકોને ઝેરીલા ગેસથી બચવાની સલાહ આપી હતી. જેનાથી સલ્ફર ડાઇ ઓક્સાઇડ સહિત ઘણાં ઝેરીલા ગેસ નીકળી રહ્યાં છે. નોંધનીય છે કે આ અંગે રેડ એલર્ટ પણ આપી હતી. છેલ્લા થોડા દિવસોમાં આ જ્વાળામુખીનો ધુમાડો ૧૨,૦૦૦ ફૂટની ઊંચાઈ પરથી દેખાઇ રહ્યો હતો. આ પહેલા જિયોલોજિકલ સર્વેએ જાણકારી આપી હતી કે અહીં ઘણાં મોટા પ્રમાણમાં લાવા રહેલો છે. ત્યાં ૧૦ જગ્યા એવી હતી કે જ્યાંથી લાવા નીકળી રહ્યો હતો. જેના કારણે ૩૨ ઘર પહેલા જ બળીને ખાખ થઇ ગયા હતાં. અહીંથી લગભગ ૨૦૦૦ લોકોને સુરક્ષિત જગ્યા પર શિફ્‌ટ કરાવી દીધા છે. આ બ્લાસ્ટ ગુરૂવારે વહેલી સવારે ૪.૧૭ વાગ્યે થયો. રિપોટ્‌ર્સ અનુસાર, સ્ટીમ પ્રેશરના કારણે થયેલાં આ બ્લાસ્ટમાંથી નિકળેલી રાખ અને કાટમાળ માઉન્ટ એવરેસ્ટની ઉંચાઇથી પણ વધારે દૂર સુધી ઉછળ્યો. માઉન્ટ એવરેસ્ટની ઉંચાઇ ૮૮૪૮ મીટર છે, પરંતુ કિલાઉના વિસ્ફોટમાંથી નિકળેલી રાખ ૯ હજાર મીટરથી પણ વધારે ઉપર ગઇ. યુએસ જીયોલોજિકલ સાયન્ટિસ્ટે પહેલેથી ચેતવણી આપી હતી કે, જ્વાળામુખીની અંદર સતત વધતી રાખથી તે ભયાનક સ્વરૂપ લઇ રહ્યું છે અને તેમાં ગમે તે ક્ષણે બ્લાસ્ટ થઇ શકે છે. જ્વાળામુખીમાંથી નિકળેલી રાખ અનેક કિલોમીટર સુધી હવામાં ફેલાશે, જે અહીંના ટૂરિસ્ટ્‌સ સેન્ટરને પણ પ્રભાવિત કરશે. બ્લાસ્ટમાંથી નિકળેલી રાખ ૩૦ હજાર ફૂટની ઉંચાઇ સુધી પહોંચ્યા બાદ એવિએશન ડિપાર્ટમેન્ટે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. રિપોટ્‌ર્સ અનુસાર, આ રાખ વિમાનોના એન્જિનમાં ઘૂસીને ક્ષણવારમાં બ્લાસ્ટ કરી શકે છે. તેથી સાવચેતીના ભાગરૂપે અહીં આગામી થોડાં દિવસો સુધી ફ્‌લાઇટ્‌સ બંધ રહેશે.