(સંવાદદાતા દ્વારા)
વડોદરા તા.૩૧
શહેરના ન્યાયમંદિર માંડવી રોડ પર આવેલ જાણીતા જવેલર્સના શોરૂમમાં ઘૂસેલ ત્રણ મહિલાઓએ શોરૂમમાંથી ઘરેણાં ઉઠાવી પલાયન થઈ ગઈ હતી. શોરૂમમાં આવેલ આ મહિલાઓ સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાઈ ગઈ હતી. પ્રાથમિક તબક્કે બુરખો પહેરી મુસ્લિમ મહિલાઓનું વેષ ધારણ કરી આવેલ આ મહિલાઓ છારા કોમની મહિલાઓ હોવાની પોલીસ શંકા સેવી રહી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ન્યાયમંદિર માંડવી રોડ પર આવેલ એક જ્વેલર્સમાં બુધવારના રોજ બપોરનાં સમયે ગ્રાહકના સ્વાંગમાં ત્રણ મહિલા બુરખો ધારણ કરી શોરૂમમાં પ્રવેશી હતી. શોરૂમના કર્મચારીઓ સાથે મહિલાઓએ ભાવ તાલ કરી ઘરેણાં બતાવવા જણાવ્યું હતું. આ મહિલાઓ મોકો મળતાં નજર ચૂકવી મુખ્ય દરવાજાની બાજુમાં આવેલ ડિસ્પ્લેમાંથી ઘરેણાંનું એક બોક્સ લઈ બુરખાની આડમાં છુપાવી પલાયન થઈ ગઈ હતી અને તરત ત્રણેય મહિલાઓ રિક્ષામાં રવાના થઈ ગઈ હતી. મોડી સાંજે ઘરેણાં ડિસ્પ્લેમાં નહિં હોવાનું ધ્યાન શોરૂમનાં માલિકને જતાં તેઓ ચોંકી ગયા હતાં. આ બનાવ મામલે તેમણે દુકાનની સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા જેમાં ગ્રાહક બનીને આવેલ આ ત્રણ મહિલા દાગીના લઈ જતી ઝડપાઈ હોવાનું જણાવ્યું હતું. જેથી આ દાગીના કેટલાના હતા તે અંગે શોરૂમના માલિકે પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.