(એજન્સી) બિહાર, તા.૨૮
પટનાના ગાંધી મેદાનમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની “દેશ બચાવો, બીજેપી ભગાવો” મેગા રેલી જોરો-શોરોથી ચાલી રહી છે. જેમાં આરજેડી પ્રમુખ લાલુ યાદવ, શરદ યાદવ, મીસા, રાબડી દેવી, તેજસ્વી, તેજ પ્રતાપ, સીપીઆઈ નેતા ડી.રાજા, કોંગ્રેસના નેતા હનુમંત રાવ, ડીએમકેના એલાંગોવન, એનસીપીના તારિક અનવરની સાથે યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ મંચ પર હાજર રહ્યા હતા. તેમની સાથે ધર્મેન્દ્ર યાદવ અને કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી પણ અહીંયા પહોંચ્યા હતા. નેતાઓની સાથે આ રેલીમાં લાખો લોકો પણ ઊમટી પડ્યા હતા. આ રેલીમાં તેજસ્વી યાદવે પીએમ મોદી અને નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. સૃજન કૌભાંડ મુદ્દે તેજસ્વીએ કહ્યું કે આમાં બીજેપી અને જેડીયુના લોકો પણ સામેલ છે. મહાગઠબંધન તોડવામાં આવતાં તેજસ્વીએ કહ્યું કે, તેજસ્વી તો બહાનું હતું, તેમને તો સૃજન કૌભાંંડ છૂપાવવું હતું. નીતિશ દગાખોર છે. તેમણે જ્યોર્જ ફર્નાડિસ, દિગ્વિજય સિંહ, શરદ યાદવ અને મહાગઠબંધનના લોકોને દગો આપ્યો છે. નીતિશ કહેતાં હતા કે અમે સંઘ મુક્ત ભારત બનાવવા ઈચ્છીએ છીએ, પરંતુ આજે તેમણે સંઘીઓની સાથે જ હાથ મિલાવી દીધો છે.
સંઘ દેશમાં હિંસાનો માહોલ પેદા કરી રહ્યું છે, દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. ભીડતંત્રના નામ પર લોકોના જીવ લેવામાં આવી રહ્યા છે. જ્યારે માણસ જ નહીં રહે તો મંદિરમાં ઘંટ વગાડવા અને મસ્જિદમાં ઈબાદત કરવા કોણ જશે. આ લોકો અનામતનો અંત લાવવા ઈચ્છે છે. હું પીએમને અપીલ કરૂં છું કે ૨ કરોડ લોકોને રોજગારી આપે અને તે દરેકના ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા કરે.