(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
દેશના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીઝનું મંગળવારે ૮૮ વર્ષની વયે નિધન થયું છે. અટલ બિહારી સરકારમાં સંરક્ષણ પ્રધાન રહેલા જ્યોર્જ ફર્નાન્ડીઝ અલ્ઝાઇમરની બીમારી સામે ઝઝુમી રહ્યા હતા. આશરે એક દાયકાથી તેઓ જાહેર જીવનથી દૂર હતા. પરિવારના સૂત્રોએ જણાવ્યું કે જ્યોર્જ છેલ્લા થોડાક દિવસથી સ્વાઇન ફ્લૂથી પણ પીડિત હતા. સમતા પાર્ટીનાં ભૂતપૂર્વ અધ્યક્ષ અને જ્યોર્જનાં સહયોગી જયા જેટલીએ જણાવ્યું કે ફર્નાન્ડીઝે તેમના દાહ સંસ્કારની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ છેલ્લા દિવસોમાં તેમણે કહ્યું હતું કે તેઓ દફનાવવાનું ઇચ્છતા હતા. આથી અમે શબનો દાહ સંસ્કાર કરીશું અને અસ્થિઓને દફનાવી દઇશું જેથી તેમની બંને ઇચ્છાઓ પુરી થઇ જાય. દરમિયાન, એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તેમનો પુત્ર આવ્યા બાદ આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જ્યોર્જ ફર્નાન્ડીઝના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી સ્થિત તેમના ઘરે ગયા હતા અને શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને ટિ્‌વટ કર્યું કે જ્યોર્જ સાહેબે ભારતના રાજકીય નેતૃત્વનું સર્વશ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કર્યું. તેઓ નિડર, ઇમાનદાર અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા નેતા હતા. તેમણે આપણા દેશ માટે મહત્વનું યોગદાન આપ્યું છે. તેઓ ગરીબો અને સમાજના કચડાયેલા લોકોના અધિકારો માટે સૌથી અસરકારક અવાજોમાંથી એક હતા. ૭૦ના દાયકામાં સમાજવાદી આંદોલનના અગ્રણી નેતાઓમાંના એક જ્યોર્જે ઇમરજન્સી દરમિયાન ઇન્દિરા ગાંધીનો ભારે વિરોધ કર્યો હતો. સરકારી સંસ્થાઓ અને રેલવે ટ્રેક્સ પર વિસ્ફોટની યોજનાઓ બનાવવાના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ૧૯૭૭માં જ્યોર્જ ફર્નાન્ડીઝે જેલમાં રહીને ચૂંટણી લડી હતી અને બિહારના મુઝફ્ફરપુર સીટ પર જંગી બહુમતીથી ચૂંટાઇ આવ્યા હતા.
જનતા પાર્ટીથી પોતાની રાજનીતિ શરૂ કરનારા જ્યોર્જને ૧૯૭૭માં મોરારજી દેસાઇના નેતૃત્વવાળી સરકારમાં ઉદ્યોગ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ૧૯૮૯થી ૧૯૯૦ દરમિયાન જ્યોર્જે વીપીસિંહની સરકારમાં રેલવે મંત્રાલય પણ સંભાળ્યું હતું. ૧૯૯૪માં તેમણે સમતા પાર્ટીની રચના કરી હતી, જે ભાજપની સહયોગી બની હતી. રાજ્યસભાના સાંસદ તરીકે જ્યોર્જનો છેલ્લો કાર્યકાળ ઓગસ્ટ ૨૦૦૯થી જુલાઇ ૨૦૧૦ દરમિયાન રહ્યો.

અલવિદા જ્યોર્જ ફર્નાન્ડીઝ : વાત કરતા ભાવુક થયા નીતિશ, યશવંતસિંહા બોલ્યા – પહેલી મુલાકાતમાં લાગ્યું કે હું પોતાના હીરોને મળ્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
દિલ્હીની એક હોસ્પિટલમાં મંગળવારે સવારે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીઝનું નિધન થયું છે. ફર્નાન્ડીઝના નિધન બાદ તેમને યાદ કરતા બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર ભાવુક થઇ ગયા હતા જ્યારે ભૂતપૂર્વ નાણા પ્રધાન યશવંતસિંહાએ ફર્નાન્ડીઝ સાથેના દિવસોને યાદ કરતા જણાવ્યું કે જ્યારે હું તેમની સાથે પહેલી વાર મળ્યો તો મને લાગ્યું કે હું પોતાના હીરોને મળી રહ્યો છું. ફર્નાન્ડીઝને યાદ કરતા નીતિશ કુમારે જણાવ્યું કે તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં જે કંઇ પણ શીખવાની તક મળી, આજે જે કંઇ પણ લોકોની સેવા માટે કરવાની કોશિશ કરીએ છીએ, તે તેમનું માર્ગદર્શન જ છે. અમારા બધા લોકો માટે તેઓ બહુ જ મહત્વપૂર્ણ હતા. આમ તો દરેક વ્યક્તિનું જવાનું નક્કી છે પરંતુ જેવી રીતે તેમનું સ્વાસ્થ્ય હતું, એ તો તેમના માટે મુક્તિ જ છે. અમારા બધા માટે આ બહુ દુઃખદ સ્થિતિ છે. તેમને ક્યારેય ભૂલી શકીશું નહીં. જ્યારે યશવંતસિંહાએ જણાવ્યું કે જ્યોર્જ ફર્નાન્ડીઝ મારા માટે મોટા ભાઇ જેવા હતા. જ્યારે મેં જનતા પાર્ટી જોઇન કરી ત્યારથી અમારો સાથ હતો. તેઓ બહુ જ સામાન્ય વ્યક્તિ હતા. તેમણે સંરક્ષમ મંત્રાલયમાં બહુ કામ કર્યું હતું. જ્યોર્જ ફર્નાન્ડીઝના નિધન અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિત ઘણા નેતાઓએ શોક અને દુઃખ વ્યક્ત કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે ટિ્‌વટર પર લખ્યું કે જ્યોર્જ ફર્નાન્ડીઝે ઘણા શ્રમ આંદોલનોનું નેતૃત્વ કર્યું અને શ્રમિકો સાથે થતા અન્યાય સામે લડાઇ લડી…તેમના આત્માને શાંતિ મળે. જેડીયુના નેતા શરદ યાદવે ફર્નાન્ડીઝને એક દુર્લભ નેતા તરીકે યાદ કર્યા. જ્યારે મમતા બેનરજીએ ટિ્‌વટ કરીને કહ્યું કે તેઓ ફર્નાન્ડીઝના નિધનથી દુખી છે.

જ્યોર્જ અંગેની માહિતી માટે કન્નડ કલાકાર, ભાઇ પર ત્રાસ ગુજારાયો

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
ઇમરજન્સી દરમિયાન જ્યોર્જ ફર્નાન્ડીઝ ભુગર્ભમાં જતા રહ્યાની બાબત ઇન્દિરા ગાંધી સરકાર માટે ભયંકર સ્થિતિ સર્જાઇ હતી. સરકાર ફર્નાન્ડીઝને જેલમાં ધકેલી દેવા માગતી હતી. ફર્નાન્ડીઝ ક્યાં છે, તેની માહિતી મેળવવા માટે સરકારે તેમના બે કોમરેડ્‌સ – તેમના ભાઇ લોરેન્સ અને કન્નડ અભિનેત્રી-મિત્ર સ્નેહલતા રેડ્ડી પર ભારે ત્રાસ ગુજાર્યો હતો પરંતુ બંનેએ ફર્નાન્ડીઝ વિશે સરકારને કોઇ માહિતી આપી ન હતી. એવોર્ડ વિજેતા કન્નડ ફિલ્મ ‘સમ્સકારા’ની મુખ્ય અભિનેત્રી અને ભાઇ પર સરકાર દ્વારા મહિનાઓ સુધી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો પરંતુ ફર્નાન્ડીઝના છુપાવાના સંભવિત સ્થળો વિશે તેઓએ એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. જ્યોર્જ ફર્નાન્ડીઝ ૧૯૭૪ની રેલવે હડતાળના હીરો હતા.