(એજન્સી) કાબુલ,તા.૧૯
સોમવારે કાબુલમાં આવેલ ઈન્ટેલિજન્સ એજન્સી ટ્રેનિંગ ફેસિલિટીમાં આતંકીઓ ત્રાટક્યા હતા. અફઘાનિસ્તાનની રાજધાનીમાં દાઈશ આતંકીઓ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા આ હુમલામાં પોલીસ અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. કાબુલના અફશાર વિસ્તારમાં આવેલ એનડીએસ ટ્રેનિંગ સેન્ટરમાં બાંધકામ ચાલી રહ્યું હતું ત્યાં હથિયારધારી હુમલાખોરો લગભગ સવારે ૧૦ઃ૧૦ કલાકે પ્રવેશ્યા હતા. પોલીસ અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણ દરમ્યાન અમે પણ અમારું ઓપરેશન હાથ ધર્યું હતું તેમ રાષ્ટ્રીય સુરક્ષા નિયામક કચેરીનો ઉલ્લેખ કરતા આંતરિક મંત્રાલયના પ્રવક્તા નજીક દાનિશે જણાવ્યું હતું.
ઉપ આતંરિક મંત્રાલયના પ્રવક્તા નસરત રહીમે જણાવ્યું હતું કે, પોલીસ અને આતંકી જૂથો વચ્ચે થયેલી અથડામણમાં ગોળીબારના ધીમા ને મોટા અવાજો સાંભળી શકાતા હતા. આ હુમલામાં ત્રણ આતંકીઓ સામેલ હતા. જો કે, આ આતંકીઓનો સફાયો કરવા માટે ઓપરેશન હજી ચાલુ જ છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, આ અથડામણમાં હજુ સુધી જાનમાલના કોઈ અહેવાલ મળ્યા નથી. આ અથડામણને પગલે પોલીસ અને ઈન્ટેલિજન્સ ઓફિસરોના ડઝનેક કર્મીઓએ જાહેર માર્ગોને બંધ કરી દીધા હતા. ઘટના સ્થળના એક કિલોમીટર દૂરથી જ એમ્બ્યુલન્સ અને સૈનિકોને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. શાળાના એક વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર જ્યારે હું શાળાએ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક આ અથડામણ સર્જાઈ હતી. જેેને પગલે ઝડપથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તેમણે રસ્તાઓ બ્લોક કરીને કોઈને પણ ક્યાંથી પસાર થવાની પરવાનગી આપી નહોતી. દાઈશ આતંકીઓએ આ હુમલાની જવાબદારી લીધી હતી. જેહાદીઓના અમાક આઉટલેટમાં નોંધાયું હતું કે, કાબુલમાં અફઘાન ઈન્ટેલિજન્ટ સેન્ટર પર બે આઈએસ આતંકીઓએ હુમલો કર્યો હતો. અફઘાનની રાજધાની કાબુલ તાજેતરના મહિનાઓમાં દેશના નાગરિકો માટે જીવલેણ હુમલાઓનું સ્થળ બની ગયું છે.