(એજન્સી) કાબુલ, તા.૩૧
અફઘાનની રાજધાની આજે વિસ્ફોટોની હારમાળા અને સતત ગોળીબારના અવાજોને કારણે આઘાતમાં સરી પડી છે. ઘટના એવી છે કે કાબુલમાં આવેલ ઇરાકી દૂતાવાસ સામે એક આત્મઘાતી હુમલાખોરે પોતાની જાતને ફૂંકી માર્રી. એક અધિકારીએ જણાવ્યું કે વિસ્તારમાં હજુ પણ હુમલા જારી હોવાના કારણે નાગરિકોને આ વિસ્તારમાંથી ખસેડીને વિસ્તાર ખાલી કરાવવામાં આવી રહ્યો છે.
હજુ સુધી આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ હોવાની જાણકારી મળી નથી. સવારના ૧૧ કલાક પછી ઓછામાં ઓછા ૪ વિસ્ફોટ અને ગોળીબારના અવાજો નાગરિકોએ સાંભળ્યા. સુરક્ષા દળો સતતપણે વિસ્તાર ખાલી કરાવી રહ્યાં હતાં સાથે જ ઘટના સ્થળે એમ્બ્યુલન્સ પણ ધસી આવી હતી. ઘટનાસ્થળે હવામાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતાં. ઓછામાં ઓછો એક વિસ્ફોટ થયો હોવાની વાતની પોલીસે પુષ્ટિ કરી હતી. કાબુલના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ઇરાકી દૂતાવાસ આવેલું છે અને તેની આસપાસમાં અનેક બેન્કો, હોટલો, બજાર અને પોલીસ કમ્પાઉન્ડ આવેલાં છે. હાલ આ હુમલોએ કાબુલને હચમચાવી નાંખ્યું છે.આ હુમલાની જવાબદારી આઇએસે લીધી છે. એક અઠવાડિયા પહેલાં સવારના સમયે થયેલાં એક કારબોમ્બ હુમલામાં ૨૬ લોકોના મોત થયાં હતાં. તાજેતરનો સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ દર્શાવે છે કે અફઘાનિસ્તાનમાં વર્ષ ૨૦૧૭ના પ્રથમ છ માસ દરમિયાન ૨૦ ટકા નાગરિકોના મોત ફક્ત કાબુલમાં થયાં છે. તેમાંથી મોટાભાગના મોત મે મહિનામાં થયેલાં ટ્રક બોમ્બ વિસ્ફોટમાં થયા હતાં. આ હુમલામાં ૧૫૦થી પણ વધુ લોકોના મોત થયાં હતાં જ્યારે સેંકડો લોકો ઘાયલ થયાં હતાં.