(એજન્સી) નવી દિલ્હી,તા.૧૫
શું તમને કબૂતરોને દાણા ખવડાવવાનું ગમે છે? જો હા તો, તમારે સાવધાન થઇ જવુ જોઇએ. કદાચ તમને વિશ્વાસ નહી થાય પરંતુ આમ કરવાથી તમારા જીવને ખતરો થઇ શકે છે. વાસ્તવમાં, હાલમાં જ ભારતમાં ફેફસાના રોગની એક ખતરનાક બિમારી સામે આવી છે અને તેના ફેલાવામાં મહ્‌દઅંશે કબૂતરો જવાબદાર છે. આ ખતરનાક બિમારીનો કોઇ ઇલાજ નથી અને દવાઓથી દર્દીની જીંદગી માત્ર થોડા દિવસ સુધી વધારી શકાય છે બસ. હાયપરસેન્સીટીવ ન્યુમોનિટિસ (એચપી) નામની આ બિમારી પક્ષીઓની મદદથી ફેલાતી ફેફસાની ખતરનાક સ્થિતિ છે. તેના કણ કબૂતરની પાંખોની મદદથી ફેલાઇ શકે છે અને તેનાથી શ્વાસ લેવામાં ખતરો વધી જાય છે અને શ્વાસની સાથે જોડાયેલી બિમારીઓ પણ થઇ શકે છે. મુંબઇ અને પૂનામાં ઝડપથી ફેલાતા આ રોગને લઇ સ્થિતિ ચિંતાજનક બની છે. આ રોગથી ખરાબ થયેલા ફેફસાને ટ્રાન્સપ્લાન્ટ કરવા સુધીની નોબત આવી શકે છે. પૂનાના એક ડોકટર અભ્યંકરે જણાવ્યું કે, આ રોગામાં ફેફસાનો આકાર ઓછો થઇ જાય છે અને તેના કારણે શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. આ રોગથી ગ્રસ્ત કેટલાય દર્દીઓને વેન્ટીલેટર પર રાખવા પડે છે. ડોકટર સલાહ આપે છે કે, ખાસ કરીને આવા સમયે કબૂતરો અથવા એવા પક્ષીઓથી દૂર રહેવામાં જ ફાયદો છે. આ બિમારીથી શરીરને થતા નુકસાનથી બચાવવાવાળી કોઇ સરળ દવા હજુ સુધી આવી નથી.