(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૨૨
ઊના તાલુકાના ઉમેજ ગામ આઝાદીના સમયથી એક સમસ્યાથી પીડાય છે. અહીં રાવલ નદી પસાર થતી હોવાના કારણે ગામની અંદર અવર જવર કરવા માટે કોઇ પૂલ ન હોય ત્યારે ચોમાસા દરમ્યાન ગામ સંપર્ક વિહોણુ થઇ જાય છે. આ સમસ્યા વર્ષો જૂની હોય જે અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઇ ધ્યાન ન આપતા ખેડૂતો દર વર્ષે જાતે શ્રમદાન કરી કાચો બેઠો પૂલ બનાવે છે, ત્યારે આ વર્ષે પણ કોઇ ધ્યાન ન આપતા અંતે કંટાળીને ૫૦ લોકોએ ૬૨ કલાકની જાતમહેનત અને ૮૦ હજારનો ભંડોળ ઉધરાવી કાચો બેઠો પૂલ બનાવ્યો છે. આ વાત છે ઊના તાલુકાના ઉમેજ ગામની કે જે રાવલ નદીના બન્ને કાંઠે વસેલુ ગામ છે અને અહીંથી પસાર થવાનો એક રસ્તો છે, ત્યારે સામા કાંઠે ૪૦૦થી વધુ પરિવાર વસવાટ કરે છે અને તેમના ૭૦થી વધુ બાળકો અભ્યાસ કરતા હોય, ત્યારે અવર જવર કરવી ચોમાસા બાદ મુશ્કેલ બને છે. જો કે, આ સમસ્યા આઝાદી કાળની છે અને આ અંગે વારંવાર સરકાર અને આગેવાનોને રજૂઆત કરવા છતાં પણ કોર્ઝવે બન્યો નથી, ત્યારે સામા કાંઠે ખેતીની જમીન ધરાવતા ખેડૂતોનો વધુ વસવાટ છે. તેવા સમયે આ સમસ્યાનું સમાધાન ન આવતા દરવર્ષે ખેડૂતો દ્વારા સ્વખર્ચે અને જાતમહેનતે કાચો બેઠો પૂલ બનાવી પોતાની સમસ્યાનું નિરાવણ લાવે છે. જો કે, હવે તેવોને જાણે કે કામ કરવાની આદત પડી ગયેલ હોય તેમ સરકાર ધ્યાન ન આપતા દર વર્ષે ચોમાસા પછી તેવોને આ કામગીરી કરવી પડે છે, ત્યારે આ વર્ષે પણ વારંવાર રાવલ નદીમાં પૂર આવવાને કારણે તેવોએ બનાવેલો બેઠો કાચો પૂલ ધોવાય જતાં આ વર્ષે પણ તેઓને કાચો બેઠો પૂલ બનાવવાનો વારો આવ્યો હતો. જેના કારણે ૫૦ લોકોએ પોતાની ૬૨ કલાક અને ૮૦ હજારનો ખર્ચ કરી અવર જવર માટે ફરીથી બેઠો પુલ બનાવ્યો છે. હાલ એવો વારો આવ્યો છેકે લોકોએ પોતાની સમસ્યા જાતેજ દૂર કરવી પડે છે.