(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.ર૯
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં રોગચાળો ઝડપથી ફેલાતો હોય છે અને તેની પાછળ મચ્છર, ગંદકીની સાથે-સાથે ખાણી-પીણી પણ જવાબદાર હોય છે એટલે કે, રોગચાળો ફેલાવવામાં આ પરિબળો મુખ્ય ભાગ ભજવતા હોય છે ત્યારે ખાણી-પીણીના ધંધા સાથે સંકળાયેલાઓ માટે સરકાર તરફથી આ વખતે કડક આદેશો જારી કરાયા છે. ખાણી-પીણીના ધંધા દરમ્યાન સ્વચ્છતા જાળવવા એપ્રોન, મોજા-કેપ વગેરે પહેરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.
ચોમાસાની ઋતુને લઈ આરોગ્યની કાળજી લેવી અત્યંત આવશ્યક હોઈ ખાણી-પીણીના ધંધા સાથે સંકળાયેલા દુકાનદારો, વેપારીઓ, ફેરિયાઓ વગેરે તમામ માટે સરકારી તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. રોગચાળો ન ફેલાય તેની તકેદારી રૂપે સ્વચ્છતા અત્યંત જરૂરી હોઈ સ્વચ્છતા જાળવવા ખાસ સૂચના અપાઈ છે. આ ધંધા સાથે જોડાયેલા તમામે ખોરાક રાંધતા અને પીરસતી વખતે સ્વચ્છ એપ્રોન, હાથના મોજા અને વાળ ઢંકાય તે રીતે કેપ ફરજિયાત પહેરવાની રહેશે તેવા નિર્દેશો આપવામાં આવ્યા છે.
આ સાથે સૂચનાઓના કડક અમલ માટે ચીમકી પણ અપાઈ છે કે, ગ્રાહકોને ખોરાક પિરસતી વખતે સ્વચ્છતા અંગે જો યોગ્ય કાળજી નહીં લેવામાં આવે તો ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ- ર૦૦૬ તથા તેના નિયમો અન્વયે સંબંધિતો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે એવી કડક સૂચના સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર દ્વારા જારી કરવામાં આવી છે.