અમદાવાદ, તા.૧૦
અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં મુસ્લિમ રિક્ષા ડ્રાઈવર પર થયેલા હુમલામાં જવાબદાર તત્ત્વોને ઝડપી તેમની સામે સખ્ત પગલાં ભરવા માટે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભાના નિયમોના નિયમ ૧૧૬ હેઠળની નોટિસ વિધાનસભામાં દાખલ કરી હતી ત્યારે આ ગંભીર ઘટનાની ચર્ચા આગામી દિવસોમાં વિધાનસભામાં થશે. મંગળવારે અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં મુસ્લિમ રિક્ષા ડ્રાઈવર પર ‘મુસ્લિમ થઈને ચાણક્યપુરી વિસ્તારમાં ધંધો કરે છે’ તેમ કહીને લોખંડની પાઈપથી હુમલો થયો હતો. આ બનાવમાં મુસ્લિમ રિક્ષાચાલકનો સદ્‌નસીબે આબાદ બચાવ થયો હતો. મુસ્લિમ અગ્રણીઓએ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરતાં આ બનાવની સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આવા તત્ત્વોને ઝડપી લઈ તેમની સામે સખ્ત પગલાં લેવા આજે વિધાનસભાના નિયમોના નિયમ ૧૧૬ અન્વયે નોટિસ વિધાનસભામાં દાખલ કરી છે. આ ગંભીર ઘટનાની આગામી દિવસોમાં વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. આવું કૃત્ય કરનાર શખ્સોની ધરપકડ કરી ભવિષ્યમાં આવું કૃત્ય કરવાની કોઈ હિંમત ન કરે તે માટે તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવા ગ્યાસુદ્દીન શેખ અને વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાએ મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીએ ધારાસભ્યોની રજૂઆતને હકારાત્મક રીતે લઈ યોગ્ય અને ન્યાયિક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.