(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૩૧
ગૌરક્ષકોના નામે બિલાડીના ટોપની જેમ ઉગી નીકળેલા કહેવાતા ગૌરક્ષકોએ સવાયા પોલીસ બનીને ગત ઈદુલ અઝહાના તહેવાર ટાણે અમદાવાદના મુસ્લિમ યુવક ઐયુબ મેવને ઢોરમાર મારતા તેનું મૃત્યુ નીપજયું હતું. આ ઘટનાને એક વર્ષ વિત્યુ છે. ત્યારે તેના પરિવારજનો કેવી વેદના સાથે કપરી પરિસ્થિતિમાં જીવન ગુજારી રહ્યા છે ? તે અંગે તેમના પરિવારજનોએ ‘ગુજરાત ટુડે’ સાથે વાતચીતમાં પોતાની સંવેદના વ્યકત કરી હતી.
ગૌરક્ષાના નામે કાયદો હાથમાં લેનારા કહેવાતા ગૌરક્ષકોના લીધે મૃત્યુ પામેલા અમદાવાદના ઐયુબ મેવના માતા મેહરાઝબાનુ ઈર્શાદ મેવએ જણાવ્યું હતું કે મારો સૌથી મોટો દીકરો ઐયુબ અને નાનો દીકરો આરીફ મળીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ ગત ઈદુલ અઝહાના તહેવારની આગલી રાત્રે તા.૧૩ સપ્ટેમ્બરના રોજ ગૌરક્ષાના નામે કહેવાતા ગૌરક્ષકોએ કાયદો હાથમાં લઈને મારા દીકરા ઐયુબ મેવને ઢોરમાર મારતા તેનું મોત નીપજયું હતું. તેના લીધે આજે અમારા ઘરની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે. ઘરની આવક અડધી થઈ ગઈ અને ખર્ચા વધુ છે. જો કે સરકારે પણ હજુ સુધી કોઈ સહાય આપી નથી. મારા દીકરાની હત્યા કરનારા કહેવાતા ગૌરક્ષકોએ કાયદો હાથમાં લીધો ન હોત તો મારો દીકરો આજે જીવતો હોત. હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. એ વાતનું અમે પણ સન્માન કરીએ છીએ. પરંતુ કહેવાતા ગૌરક્ષકો એક પશુને બચાવવા એક માનવીનો જીવ લે તે કેટલી હદે યોગ્ય કહેવાય ? જો મારો દીકરો ગૌહત્યામાં કસૂરવાર હોત અને તેને કોર્ટે સજા આપી હોત તો અમને એટલું દુઃખ ના થતું જેટલુ કહેવાતા ગૌરક્ષકોએ જાહેર રસ્તા ઉપર ગુંડાગર્દી કરીને તેને ઢોરમાર મારી તેનો જીવ લઈ લેતા થયું. કહેવાતા ગૌરક્ષકોને કાયદા ઉપર વિશ્વાસ નથી કે શું ? જો તેમને કાયદા ઉપર વિશ્વાસ હોત તો કાયદો હાથમાં લેવાની શું જરૂર હતી ? એમ કહેતા ડુમો ભરાઈ ગયેલા અવાજે મહેરાઝબાનુએ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે મારા દીકરાના મોતને એક વર્ષ વિત્યુ પરંતુ અમે તેને હરએક પળમાં યાદ કરીએ છીએ. કેમ કે અમારા ઘરનો આધાર જ તે હતો. તેના જવાથી અમારો પરિવાર નિરાધાર જેવો થઈ ગયો છે. આજે પણ અમે ભાડાના મકાનમાં મૃતક ઐયુબની પત્ની તેના બે બાળકો અને મારા દીકરા આરીફ અને દીકરી યાસ્મીન સાથે રહી છીએ. મૃતકના ભાઈ આરીફ મેવએ ‘ગુજરાત ટુડે’ને જણાવ્યું હતું કે મારો મોટો ભાઈ ઐયુબ હતો ત્યારે ઘરની તમામ જવાબદારી તે નિભાવતો હતો. પરંતુ તેના ગયા બાદ ઘરની તમામ જવાબદારી મારા ખભે આવી ગઈ છે. એટલે રિક્ષા ચલાવીને હાલ ઘરનું ગુજરાન માંડ ચલાવી રહ્યો છું. જો એક પણ દિવસની રજા પડી જાય તો ઘરમાં તકલીફ પડે છે. મારો ભાઈ આજે જીવતો હોત તો અમારી આર્થિક સ્થિતિ આટલી કથળી ના હોત. તમને ન્યાય તંત્ર ઉપર વિશ્વાસ છે ? તેવા પ્રશ્નના જવાબમાં આરીફ મેવએ જણાવ્યું હતું કે કહેવાતા ગૌરક્ષકોએ કાયદો હાથમાં લઈને મારા ભાઈને માર માર્યો તેના લીધે તેનો જીવ ગયો. આ કેસના તમામ આરોપીઓને જામીન મળી ગયા છે. પરંતુ ન્યાયતંત્ર ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અમને ન્યાય જરૂર મળશે.
દીકરાઓને પોલીસ અને ડૉક્ટર બનાવીશ : ઐયુબની પત્ની

મૃતક ઐયુબના પત્ની સરીનાબાનુએ જણાવ્યું હતું કે, મારા પતિનું મૃત્યુ થયું ત્યારે મારો એક દીકરો અઢી વર્ષનો અને બીજો દીકરો ચાર મહિનાનો હતો. જો કે મારા પતિની ઈચ્છા હતી કે બન્ને દીકરાને ડૉક્ટર અને પોલીસ બનાવું. આ ઈચ્છા ઈન્શાઅલ્લાહ હું પૂરી કરીશ. મારા દીકરાઓને ભણાવવા માટે જો મારે મજૂરી કરવી પડશે તો તે પણ કરીશ અને મારા દીકરાઓને પોલીસ અને ડૉક્ટર બનાવીને સત્યના માર્ગે ચાલી માનવતાને અગ્રતા આપવાનું શીખવાડીશ.

એક વર્ષ વીતી ગયું છતાંય
ઐયુબ મેવ કેસની કોર્ટમાં સુનાવણી શરૂ થઈ નથી

ગૌરક્ષાના નામે કહેવાતા ગૌરક્ષકોએ કરેલી ગુંડાગર્દીથી મૃત્યુ પામેલા ઐયુબ મેવ કેસના વકીલ ખાલીદ શેખે જણાવ્યું હતું કે, ઐયુબ મેવનો કેસ મિરઝાપુર સેશન્સ કોર્ટમાં છે. જો કે આ કેસના તમામ આરોપીઓ જામીન ઉપર છૂટી ગયા છે. એક વર્ષ જેટલો સમય વિતી ગયો પરંતુ હજુ સુધી આ કેસમાં સુનાવણી શરૂ જ થઈ નથી.