(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.રર
વિવિધ પ્રકારના ઉત્સવો-ઉજવણીઓ પાછળ કરોડોનું આંધણ કરવા ઉપરાંત સર્વ-શિક્ષા અભિયાન, ગુણોત્સવ, પ્રવેશોત્સવ જેવા આયોજનોની સાથે ભણે ગુજરાતની મોટા ઉપાડે વાતો કરનારી ભાજપ સરકારના શાસનમાં શાળાના બાળકો જયાં પ્રાથમિક જ્ઞાન મેળવે છે તેવી પ્રાથમિક શાળાઓમાં પુરતા ઓરડાઓ પણ ન હોવાથી મેદાનમાં કે ઝાડ નીચે અથવા અન્ય સ્થળે બાળકોને ભણવું પડે છે. ભાજપના રાજમાં કરાતા વિકાસના દાવાઓ વચ્ચે હજુ પ્રાથમિક શાળાઓમાં ૧૬૯ર૩ ઓરડાઓની ઘટ બહાર આવી છે. એટલું જ નહી વિવિધ કાર્યો પાછળ કરોડો ખર્ચ કરતી સરકારના નવા ઓરડાઓ બનાવી આ ઘટ દુર કરવા મુદ્દે ઉદાસીન વલણને લઈ શાળાઓમાં ઓરડાઓની ઘટ વધવા પામી છે. રાજયમાં ઉત્તરોતર વિકાસની મોટાપાયે વાતો કરતી ભાજપ સરકારે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ અંગેનો એકરાર કરતા જણાવ્યું હતું કે, રાજયની શાળાઓમાં હજુ ૧૬૯ર૩ ઓરડાઓની ઘટ વર્તાઈ રહી છે. સરકારના મંત્રી દ્વારા લેખિતમાં અપાયેલ જવાબમાં જણાવાયું છે કે, રાજયની પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ વધવા પામી છે. જુલાઈ ર૦૧૪ના અંતે રાજયમાં ૮૩૮૮ ઓરડાઓની ઘટ હતી તે ડિસેમ્બર ર૦૧૭ના અંતમાં વધીને ૧૬,૦૦૮ થઈ હતી. તો તે પછી પણ સરકાર દ્વારા કોઈ વિશેષ કદમ ના ઉઠાવાતા ર૦૧૮ના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં ઓરડાઓની ઘટમાં ઘટાડો થવાને બદલે તે વધીને ૧૬,૯ર૩ થઈ જવા પામી હતી. એટલે કે રાજયની પ્રાથમિક શાળાઓમાં હજુ સુધી ૧૬૯ર૩ ઓરડાઓ ઉપલબ્ધના હોઈ અભ્યાસ કરતા બાળકોને ખુલ્લા મેદાન-વૃક્ષ નીચે અથવા અન્ય સ્થળે બેસીને ભણવું પડે છે. રાજયના ગરીબ-મધ્યમ વર્ગના બાળકો મોટા ભાગે શિક્ષણ માટે સરકારી પ્રાથમિક શાળાઓમાં જતાં હોય છે ત્યારે આવા બાળકોને ત્યાં પણ પૂરતી સુવિધા પૂરી ના પડાતા તેઓમાં નારાજગીની લાગણી ફેલાવવાની સાથે સાથે કેટલાક કિસ્સાઓમાં તો બાળકો અભ્યાસ પણ છોડી દેતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયની પ્રાથમિક શાળાઓમાં સૌથી વધુ ઓરડાઓની ઘટવાળા જિલ્લા પણ આદિવાસી બહુમતી વાળા છે. દાહોદમાં ૧૭૦૯, પંચમહાલમાં ૧૦૭૯ અને બનાસકાંઠામાં ૧૦૭૧ ઓરડાઓની ઘટ નોંધાવવા પામી છે. આમ આદિવાસીઓના વિકાસ માટે પણ કરોડો ખર્ચવા સાથે તેમના માટે વિવિધ યોજનાઓની વાતો કરનાર સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોની શાળાઓમાં પૂરતા ઓરડા ઉપલબ્ધ કરાવતી ના હોવાનું જણાઈ આવે છે.
પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓ વિના કઈ રીતે ભણશે ગુજરાત ? ૧૬૯ર૩ ઓરડાની ઘટ !

Recent Comments