નવી દિલ્હી,તા.૨૯
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના કૈલાશ માનસરોવરની યાત્રાની તૈયારી તેજ થઇ ગઇ છે. અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે રાહુલ ગાંધી ૩૧ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર વચ્ચે કૈલાશ માનસરોવરની યાત્રા કરશે. રાહુલે સૌથી પહેલા આ યાત્રાની જાહેરાત એપ્રિલમાં રામલીલા મેદાનમાં એક જન આક્રોસ રેલીમાં કરી હતી. કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન હેલિકોપ્ટર દુર્ઘટનામાં આબાદ બચાવ બાદ આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે આ રેલી દરમિયાન રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર થોડા સમય માટે રડારમાંથી ગાયબ થઇ ગયું હતું.
રાહુલે કહ્યું કે આ યાત્રા ભગવાન શિવનો આભાર માનવા માટે કરશે. જો કે વિદેશ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધીએ યાત્રા માટે પોતાનું રજિસ્ટ્રેશન કર્યું નથી. આ યાત્રા ચીનમાં થઇને પસાર થાય છે આથી તેનું રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે.
છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી સતત એવો સંદેશો આપી રહ્યાં છે કે તેઓ સમર્પિત હિન્દુ છે. ગુજરાત અને કર્ણાટક ચૂંટણી દરમિયાન તેઓ મંદિરોમાં જઇને માથું ઝૂકાવે છે. રાહુલ ગાંધીને રુદ્રાક્ષની માળા પહેરેા જોવા મળ્યા હતા. તો પાર્ટીનું કહેવું છે કે ગાંધી પરિવાર જનેઉધારી છે.
કોંગ્રેસે આ વાતનો અનુભવ કરી લીધો છે કે ૨૦૧૪ લોકસભા ચૂંટણી બાદથી જ તેમની અલ્પસંખ્યક તુષ્ટીકરણની રાજનીતિ કામ નથી કરી રહી. આથી તેઓ હિન્દુઓને પણ પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ શરૂ કર્યો છે. ૨૦૧૫માં ઉત્તરાખંડમાં પૂર બાદ રાહુલ ગાંધીએ કેદારનાથની પગપાળા યાત્રા કરી હતી. કૈલાશ યાત્રા ૮ સપ્ટેમ્બરે બંધ થશે. રાહુલ ગાંધી આ સપ્તાહે યાત્રા કરી શકે છે.