અમદાવાદ,તા.૧૧
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંગઠનમાં યુવાનોને જવાબદારી સોંપવાના ભાગરૂપે અખિલ ભારતીય વ્યવસાયિક કોંગ્રેસ (ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા સીએ કૈલાસકુમાર ગઢવીની નિમણૂક કરી છે. ઓલ ઈન્ડિયા વ્યવસાયિક કોંગ્રેસના અધ્યક્ષ શશી થરૂર તથા ઉપાધ્યક્ષ મીલીન્દ દેવરાએ આજરોજ એમના એક પત્ર દ્વારા જણાવ્યું છે કે ગુજરાતમાં વસતા સમસ્ત વ્યવસાયિકો જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ, ડોકટર્સ, વકીલો, આર્કિટેક, એન્જિનિયર્સ, ફાર્માસીસ્ટ તથા અન્ય કન્સલટન્ટ સાથે સંવાદ તથા સહકાર વધારવા માટે ગુજરાત વ્યવસાયિક કોંગ્રેસે મહત્વની ભૂમિકા ભજવવી જરૂરી છે જેના ભાગરૂપે કૈલાસકુમાર ગઢવી, પ્રવકતા જીપીસીસીને ગુજરાત પ્રદેશ વ્યવસાયિક કોંગ્રેસના અધ્યક્ષ રૂપે વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. કૈલાસકુમાર ગઢવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સાથો સાથે કોસ્ટ એકાઉન્ટન્ટની ડિગ્રી ધરાવે છે. વધુમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેલના પૂર્વ અધ્યક્ષ તરીકે સફળ કામગીરી કર્યા પછી હાલ પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા તરીકે કામગીરી કરી રહ્યા છે. તેમણે ધ ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા ન્યુ દિલ્હીની કેન્દ્રીય સમિતિમાં પબ્લિક ફાઈનાન્સ કમિટી તથા ફીઝીકલ લો કમિટીમાં પણ સેવા આપેલી છે. સાથો સાથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પેટ્રોન સભ્ય તરીકે જુદા જુદા વ્યાપારો સંબંધિત મુદ્દાઓ પર પણ સમયાનુસાર સંબંધિત અધિકારી તથા વિભાગમાં રજૂઆતો કરેલ છે.