(એજન્સી) કૈરાના, તા.૩૧
મુઝફ્ફરનગર કોમી હિંસા બાદ પશ્ચિમી યુપીમાં જાટ અને મુસ્લિમ સમુદાય વચ્ચેનું અંતર ઓછું થતું જોવા મળી રહ્યું છે. કૈરાના લોકસભા પેટાચૂંટણીમાં મતદાન દરમિયાન ભાઈચારાને કાયમ કરતી મિસાલ જોવા મળી છે. જેણે સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કર્યું છે. કૈરાનામાં સોમવારે લોકસભા ચૂંટણી માટે થયેલ મતદાન દરમિયાન મતદાતાઓની લાંબી કતાર લાગી હતી. મતદાનના દિવસે કૈરાનામાં મુસ્લિમ અને જાટ સમુદાય પોલિંગ બૂથ પર એકજૂથ નજરે પડ્યા હતા. આ દરમિયાન જ્યારે મુસ્લિમ મતદાતા રોઝા રાખીને વોટ આપવા પોલિંગ બૂથ પર પહોંચ્યા ત્યારે જાટ સમુદાયના લોકોએ મુસ્લિમ મતદારો માટે મતદાન કેન્દ્ર ખાલી કરી દીધું હતું. અહેવાલ મુજબ શામલી જિલ્લાના ઉનગામ અને ગઢીપોખ્તા ટાઉન જાટ બાહુલ્ય છે. અહીં મતદાન મથક પર જાટ સમુદાયની મહિલાઓએ મત આપવા પહેલાંથી જ લાઈન લગાવી હતી. આ દરમિયાન મુસ્લિમ મહિલાઓ પણ મત આપવા પોલિંગ બૂથ પર પહોંચી હતી ત્યારે જાટ મહિલાઓએ લાઈનમાં પાછળ ખસી જઈને રોઝદાર મુસ્લિમ મહિલાઓને આગળ કરીને માણસાઈની અનોખી મિસાલ પ્રસ્તુત કરી હતી.