(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
ઉત્તર પ્રદેશના કૈરાનામાં યોજાયેલી લોકસભાની પેટાચૂંટણીઓમાં ભાજપના પરાજયથી હતાશ થયેલા ભાજપના સમર્થકોનું એક જૂથ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ પહેલા મતોનું ધ્રુવીકરણ કરવા અને કોમવાદી હિંસા ભડકાવવાના એક પ્રયાસરૂપે ખોટો પ્રચાર કરવાની એક ખતરનાક ગેમ કરી રહ્યા છે. કૈરાનામાં આરએલડીના ઉમેદવાર તબસ્સુમ હસને ભાજપનાં ઉમેદવાર મૃગાંકાસિંહને પરાજય આપ્યા બાદ ભાજપના કાર્યકરો ફેસબુક, ટિ્‌વટર અને વોટ્‌સએપ સહિત સોશિય મીડિયા પર હસનના ખોટા નિવેદનો મુકી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુસરનારાઓ સહિત સોશિયલ મીડિયા પર ભાજપના હાઇ-પ્રોફાઇલ સમર્થકો દ્વારા હસનના ખોટા નિવેદનોવાળા વાયરલ ફોટા મુકવામાં આવ્યા છે. ફોટામાં હસને કૈરાનામાં વિજયને અલ્લાહનો વિજય અને રામનો પરાજય ગણાવ્યાનો તેમની સામે આરોપ મુકવામાં આવ્યો છે. એક ફેસબુક યુઝર કમલ ત્યાગીએ ફેસબુક પર લખ્યું છે કે આજે હું બહુ ખુશ છું. સવારે કૈરાનામાં અમારા પરાજયથી મને દુઃખ થયું હતું પરંતુ જ્યારે તબસ્સુમ બેગમે કહ્યું કે આ ઇસ્લામનો વિજય છે અને હિન્દુઓનો પરાજય છે, તો મને સારૂં, બહુ બહુ સારૂં લાગ્યું. મોદીનો વિરોધ કરનારાઓ અને તબસ્સુમને મત આપનારાઓના મોઢા પર આ એક તમાચો છે. તબસ્સુમ બેગમે એક જ મિનિટમાં તેમના ભાઇચારામાંથી ભાઇ કાઢીને તેમને ચારો બનાવી દીધો અને તેમની ઓકાત બતાવી દીધી. ખરેખર, મજા આવી ગઇ. તબસ્સુમ બેગમે આ જ નિવેદન કરવાનું હતું.