(એજન્સી) કૈરો, તા.ર૬
કાઈરોમાં આવેલા ફૂટબોલ સ્ટેડિયમમાં જીવલેણ હિંસાને ભડકાવવા બદલ ઈજિપ્તની કોર્ટે ૧૪ વ્યક્તિઓને જેલની સજા ફટકારી છે. આ ૧૪ વ્યક્તિઓમાંથી બેને આજીવન કેદ તથા બાકીના ૧રમાંથી ૩ને ૧૦ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ હિંસક હોનારતમાં ઓછામાં ઓછા ૧૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ફેબ્રુઆરી ર૦૧પમાં સ્ટેડિયમમાં સર્જાયેલ આ હિંસા બાદ ટોળાઓને વિખેરવા માટે પોલીસ દ્વારા ટીયરગેસ છોડવામાં આવ્યા હતા. આ પ્રતિવાદીઓ હત્યા, ઠગાઈ, બર્બરતા તથા પોલીસ સાથે અથડામણ કરવાના ગુના સહિત આ તમામ આરોપોનો સામનો કરી રહ્યા છે. આ આરોપીઓમાંથી બેને આજીવન કેદ, ત્રણને ૧૦ વર્ષની કેદ, પાંચને ૭ વર્ષની કેદ જ્યારે અન્ય ૩ને ત્રણ વર્ષ તથા એકને બે વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. જ્યારે આ કેસમાં બે વ્યક્તિઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા જે આરોપીઓને સજા સંભળાવવામાં આવી છે, તેઓ હજી પણ અપીલ કરી શકે છે.
વર્ષ ર૦૧રમાં પોર્ટમાં આવેલા સ્ટેડિયમમાં થયેલા રમખાણો દરમિયાન ૭૦થી વધુ લોકોના મૃત્યુ થયા બાદ ત્યાં ચાહકોના પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ કાઈરો ટીમ્સ ઝમાલેક અને ENPPIની વચ્ચેની ફર્સ્ટ પ્રીમિયર લીગ રમતમાંની એક મેચ માટે આ સ્ટેડિયમને તાજેતરમાં ચાહકો માટે ખુલ્લંુ મૂકવામાં આવ્યું હતું.
આ પહેલા પણ વર્ષ ર૦૧પમાં રાજધાનીમાં આવેલ સ્ટેડિયમમાં થયેલી મોતો બાદ સરકાર દ્વારા પુનઃપ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ઈજિપ્તમાં ફૂટબોલને વધારે ચાહતા ચાહકોને અલ્ટ્રાસના નામે ઓળખવામાં આવે છે. આ ચાહકો દ્વારા પોલીસ સાથે પણ ઘણીવાર અથડામણો સર્જવામાં આવે છે. ઉપરાંત રાજકીય અશાંતિ ફેલાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે. આ પહેલા ફેલાયેલી રાજકીય અશાંતિને પગલે બે રાજકીય પ્રમુખોની હકાલપટ્ટી પણ કરવામાં આવી છે.