(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.ર૦
સાયલા, ચોટીલા, થાનગઢ વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરી, પોલીસની ઉંઘ હરામ કરનાર કાકા ભત્રીજાની તસ્કર બેલડીને મુદ્દામાલ સાથે ચોટીલા પોલીસે ઝડપી પાડેલ છે.
ે લીંબડી ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. પી.ડી.પરમાર, સાયલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અર્જુનસિંહ જાડેજાની એમ બે ટીમો બનાવી, સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. દરમ્યાન બાતમી આધારે ચોટીલા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. પી.ડી.પરમાર, પીએસઆઇ જે.જે.ચૌહાણ, સાયલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા તથા સ્ટાફે સીતાગઢ ગામે છાપો મારતા, આરોપીઓ હિતેશ દિનેશભાઈ થરેશા (ઉ.વ.૧૯) તથા કરસન રામજીભાઈ થરેશા જાતે ચુ.કોળી (ઉ.વ.૩૫) બને રહે.સિતાગઢ તા. સાયલાને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી. જે બનેના ઘરે તથા વાડીઓમાં તપાસ કરતા, રોકડા રૂા.૪,૦૦૦/-, જૂના નવા મોબાઈલ ફોન નંગ ૭૦ કિંમત રૂા. ૩૫,૦૦૦/- ટેબલેટ નંગ ૧ કિંમત રૂા.૩,૦૦૦/- તૈયાર પેન્ટ, શર્ટ, કપડાં કિંમત રૂા.૨,૨૦,૮૫૦/- ટેબલ, ખુરશી, ફોટા, પંખા, કોમ્પ્યુટર, સહિતનો આશરે કુલ રૂા.૩,૫૦,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ હતો. પ્રાથમિક પૂછપરછમાં બને આરોપીઓ આ મુદ્દામાલ રાત્રિ દરમિયાન કરવામાં આવેલ ચોરીઓનો મુદ્દામાલ હોવાની કબૂલાત કરેલ હતી. પકડાયેલા બને આરોપીઓ ખાસ કરીને બંધ કેબિનો તથા દુકાનોને ટાર્ગેટ કરી, તાળા તોડી, ચોરીઓ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.
પકડાયેલ બંને આરોપીઓ કૌટુંબિક કાકા ભત્રીજા થાય છે. એ પૈકી આરોપી હિતેશ દિનેશભાઈ થરેશા એસ.એસ.સી. સુધી ભણેલો છે. સાયલા ખાતે ખેતીની જમીન વાવવા રાખેલ તેમાં ખોટ જતાં ચોરીના રવાડે ચડી ગયાની કબૂલાત કરેલ હતી. જ્યારે આરોપી કરસન થારેશાની માતા બીમાર હોઈ સારવાર માટે ખૂબ જ ખર્ચ થઈ જતાં રૂપિયાની જરૂરત હોઈ ચોરીના રવાડે ચડી ગયાની કબૂલાત કરવામાં આવેલ હતી.