(એજન્સી) તા.૧
રાષ્ટ્રીય મઝદૂર કિસાન સંઘના પ્રમુખ શિવકુમાર શર્મા ‘કક્કાજી’એ શુક્રવારથી શરૂ થયેલી ખેડૂતોની ૧૦ દિવસીય હડતાળ બદલ સામાન્ય જનતાની માફી માંગી હતી અને કહ્યું હતું કે, જો ખેડૂતો પાક ઉગાડવાનું બંધ કરી દે તો પરિસ્થિતિની ગંભીરતા શું હશે તે વિશે વિચાર કરો. પત્રકારો સાથે વાતચીત કરતાં કક્કાજીએ કહ્યું હતું કે, હડતાળથી લોકોને પડતી તકલીફ કરતાં ૪૬,૦૦૦ ખેડૂતોના મૃત્યુ વધારે ગંભીર બાબત છે. તેમણે કહ્યું હતું કે, દૂધ અને શાકભાજી વગર લોકો મરી નહીં જાય પરંતુ એ પરિસ્થિતિની ગંભીરતા વિશે વિચારો જ્યારે ખેડૂતો પાક ઉગાડવાનું બંધ કરી દેશે. ૬૭ વર્ષીય કક્કાજીએ કહ્યું કે આ પહેલાં ૧૧૦ ખેડૂત સંગઠનોએ અમારા આંદોલનને ટેકો આપ્યો હતો પરંતુ હવે ભાજપ સમર્થિત એક-બે સંગઠનોને છોડીને લગભગ બધા જ ખેડૂત સંગઠનો અમારી સામે છે. તેમણે કહ્યું હતું કે આ વખતે અમે ગાંવ બંધ વિરોધ ચાલુ કર્યો છે. જો આ આંદોલન દરમિયાન કશું અનિચ્છનીય થયું તો તેની જવાબદારી મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની છે. શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વવાળી ભાજપ સરકાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે ૧પ વર્ષના ભાજપ શાસનમાં ખેડૂતોનું જે રૂા.૧ લાખનું દેવું હતું તે રૂા.૧પ લાખ થઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે જો અમારી માગણીઓ નહીં સ્વીકારાય તો ૧૧ જૂને યોજાનારી રાષ્ટ્રીય મઝદૂર કિસાન સંઘની બેઠકમાં આંદોલનની ભવિષ્યની રૂપરેખા નક્કી કરવામાં આવશે.