(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
રાષ્ટ્રપતિ ભવનમાં ઓરિસ્સાના બાલાસોરના ભાજપના સાંસદ પ્રતાપસિંહ સારંગી જ્યારે શપથ લેવા ઊભા થયા ત્યારે તેમનું ઉમળકાભેર તાળીઓના ગળગળાટથી અભિવાદન કરાયું હતું.
પ્રતાપ સારંગી બાલાસોરથી ભાજપની ટિકિટ પર ચૂંટાયા છે. તેઓ કુંવારા છે અને એક ઝુપડીમાં સાદગીભર્યું જીવનજીવી રહ્યા હોવાનું કહેવાય છે. તેઓ ૧૯૯૯માં ઓડીસા બજરંગદળના પ્રમુખ હતા. ત્યારે ઓસ્ટ્રેલિયન ઈસાઈ મિશનરીના ગ્રેહામ સ્ટેઈન્સ અને તેમના બે નાના પુત્રોને જમણેરી સંગઠનના કાર્યકરો દ્વારા મનોહરપુર ગામે જીવતા જલાવી દેવાયા હતા. ટોળાએ સ્ટેઈન્સ અને તેમના ૧૦ વર્ષ અને ૬ વર્ષના બે પુત્રોને જીવતા સળગાવી દીધા હતા. આ બર્બરતાપૂર્ણ ઘટનાએ વિશ્વમાં ચકચાર મચાવી હતી. મિશનરી સામે આરોપ હતો કે, તેઓ બળજબરીથી આ વિસ્તારમાં હિન્દુ આદિવાસીઓને ખ્રિસ્તી બનાવી રહ્યા હતા.
આ ઘટના માટે જવાબદાર મુખ્ય આરોપી દારાસીંગ (બજરંગદળ) અને તેનો સાથી મહેન્દ્ર હેમબ્રામને આજીવન કારાવાસની સજા કરાઈ હતી. આ કેસમાં સારંગીની કદી કોઈ પૂછપરછ કરાઈ ન હતી. ફ્રંટલાઈનના ર૦૦૩ના રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે આ ઘટનાની તપાસ માટે નીમેલા પંચે બજરંગદળની પૂછપરછ કરી ન હતી. કારણ કે તે ગેરકાયદેસર સંગઠન ન હતું. તેમજ એવું સૂચવ્યું કે, કાયદેસરનું સંગઠન આવા કોઈ બર્બરતાપૂર્વકના ગુનાઓની યોજના બનાવી શકે નહીં. રિપોર્ટમાં કહેવાયું છે કે, સારંગીની બજરંગદળની આ ઘટનામાં કોઈ ભૂમિકા ન હતી તેથી તેમની ઉલટ તપાસ પણ થઈ ન હતી.
સારંગી વિશ્વ હિન્દુ પરિષદનો ભાગ હતા તેઓ ર૦૦રમાં ઓરિસ્સા વિધાનસભા પર થયેલા હુમલામાં સામેલ હતા. તેઓ અને બીજા ૬૬ લોકોની આગપંચી અને સરકારી મિલકતોને નુકસાન કરવા બદલ ધરપકડ કરાઈ હતી.
સારંગીએ ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં તેમની સામે ૧૦ ગુનાહીત કેસોનો ઉલ્લેખ કર્યો છે પરંતુ એકપણ ગુનામાં સજા થઈ નથી.