પાલનપુર, તા.૪
ધાનેરા વિસ્તારના પૂરગ્રસ્ત લોકોની મુલાકાત લેવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ધાનેરા આવી પહોંચ્યા હતા અને ધાનેરાના માલોત્રા ગામ સહિત ધાનેરાના વિવિધ વિસ્તારોની લઈ લાલચોક ખાતે સભા સંબોધી હતી તો બીજી તરફ ભાજપ દ્વારા રાહુલ ગાંધીના કાર્યક્રમમાં કાળાવાવટા ફરકાવી મોદી-મોદીના સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, અશોક ગેહલોત, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, અહમદ પટેલ સહિતની ટીમ આજે ધાનેરા આવી પહોંચી હતી અને ધાનેરાના પૂરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધી ધાનેરાના થાવર ગામના હેલીપેડ પર ઉતર્યા બાદ ધાનેરાના માલોત્રા ગામે ગયા હતા અને ત્યાં પૂરમાં મૃત્યુ પામેલા લોકોના ઘરે જઈ મૃતકના પરિવારજનોને દિલાસો આપ્યો હતો તે બાદ ધાનેરાના રાજપૂત વાસ બારોટ વાસમાં પૂરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી અને મૃત્યુ પામનારના ઘરે ગયા હતા. ધાનેરાના લાલચોકમાં લોકોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે અમારી સરકાર ગુજરાતમાં પણ નથી અને દિલ્હીમાં પણ નથી છતાં પણ અમે લોકો તમારી સાથે ઊભા છીએ. દો તીન કાલે ઝંડે વાલોસે હમ પીછેહઠને વાલે નહીં હૈ. બીજી તરફ ભાજપ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કાલાવાવટા ફરકાવવાની કોશિશ કરતા પોલીસે ભાજપ કાર્યકરોને રોક્યા હતા તો બીજી તરફ ભાજપના લોકો દ્વારા મોદી-મોદીના નારા સાથે રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો.