(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
કેન્દ્ર દ્વારા કાશ્મીરમાં વધુ સૈન્ય મોકલવાના નિર્ણયને લઈ અટકળો શરૂ થઈ છે કે શું સરકાર બંધારણના અનુચ્છેદ ૩પ-એને રદ કરવા જઈ રહી છે. આ અનુચ્છેદ દ્વારા જમ્મુ-કાશ્મીરના નાગરિકોને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. જો કે, આ અનુચ્છેદને પડકારતી અરજીઓ સુપ્રીમકોર્ટમાં પડતર છે. જો કે, આ પડકાર કેન્દ્રને આ મુદ્દે નવો કાયદો ઘડવાથી રોકી શકતો નથી. સાત જુદી જુદી અરજીઓ દ્વારા સુપ્રીમકોર્ટમાં અનુચ્છેદ ૩પ-એને પડકારવામાં આવી છે. એક એનજીઓ વી ધ પીપલ્સ દ્વારા ર૦૧૪માં પહેલી અરજી દાખલ કરાઈ હતી. અરજીમાં જણાવ્યું હતું કે બંધારણ આદેશ ૧૯પ૪ દ્વારા અનુચ્છેદ ૩પ-એને લાગુ કરાયો હતો. એમાં કાયદાકીય બળનો અભાવ હતો. અન્ય અરજીઓમાં કહેવાયું હતું કે, આ જોગવાઈ પશ્ચિમી પાકિસ્તાનથી આવેલ શરણાર્થીઓના અધિકારોનું ઉલ્લંઘન છે અને કાશ્મીરની મૂળ મહિલાઓ સાથે ભેદભાવ કરનારો છે જેમણે રાજ્ય બહાર લગ્ન કર્યા છે. એવી મહિલાઓના સંપત્તિ અધિકારો પણ છીનવી લે છે. ભારતના બીજા નાગરિકોને જમ્મુ-કાશ્મીરમાં સ્થાયી રૂપે નિવાસ કરવા, મિલકતો ખરીદવા અને નોકરીઓ મેળવવાથી રોકે છે. ભાજપનો સ્પષ્ટ વિચાર છે કે અનુચ્છેદ ૩પ-એ અને ૩૭૦ બન્ને રદ કરવો જોઈએ અને એ માટે ર૦૧૯ના ચૂંટણી ઢંઢેરામાં પણ આ પ્રકારનો ઉલ્લેખ કરાયો હતો. ખીણના રાજકારણીઓ સખ્ત વિરોધો કરી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ એક જાહેરસભામાં કેન્દ્રને ચેતવણી આપતાં કહ્યું કે, અનુચ્છેદ ૩પ-એને અડવું દારૂગોળા સાથે અડવાની જેમ છે. અડનારના હાથ જ નહીં સમગ્ર શરીર બળી જશે. કોર્ટે હાલમાં માલાને રોકી રાખ્યો છે. નેશનલ કોન્ફરન્સ, સીપીઆઈ(એમ)એ કોર્ટને સુનાવણી તરત કરવા વિનંતી કરી છે.