(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૨
કેમરોક ઇન્ડસ્ટ્રીઝનાં પૂર્વ એમ.ડી. કલ્પેશ પટેલની સામે વડોદરા ક્રાઇમ બ્રાંચ પોલીસમાં ૩૦૦ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાંચ પોલીસે મોડીરાત્રે તેઓની ધરપકડ કરી હતી.
અલ્હાબાદ બેન્કના સીનિયર મેનેજર પ્રદિપકુમાર વીરસીંગ અટાનીઆએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ-૨૦૦૭થી ૨૦૧૧ દરમ્યાન અમારી બેન્ક પાસેથી કેમરોક ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્ષપોર્ટ લિ. દ્વારા કેશ ક્રેડિટ લોન, ઇનલેન્ટ લેટર ઓફ ક્રેડિટ, ફોરેન લેટર ઓફ ક્રેડિટ લોન, બેન્ક ગેરંટી લોન, ટર્મ લોન સહિત ૪૪૦.૧૨ કરોડની લોન લેવામાં આવી હતી. જો કે, કેમરોક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ લોન સમયસર ભરપાઇ ન કરાતા ૩૧મી ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ એનપીએ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ બેન્ક દ્વારા કેમરોક કંપનીનો ફોરેન્સીક ઓડિટ રીપોટ કરાવતા તેમાં કંપનીએ જે હેતુ માટે લોન લીધી હતી તે હેતુ સિવાય અમુક રકમનો ઉપયોગ કંપની અને ડાયરેકટરોએ એકબીજાની મદદગારીથી કાવતરૂ રચીને બીજી જગ્યાએ કર્યો હતો. કંપનીના રીટર્નમાં પણ વિસંગતતાઓ જણાઇ હતી. ૧૫ એપ્રિલ, ૨૦૧૬ના રોજ કેમરોક ઇન્ડસ્ટ્રીઝ પાસેથી અલ્હાબાદ બેન્કને ૪૪૩.૮૪ કરોડ રૂપિયાની લોન પેટેની રકમ લેવાની થતી હતી. જેથી અલ્હાબાદ બેન્કના મેનેજરે કેમરોક ઇન્ડ.ના ડાયરેકટર કલ્પેશ મહેન્દ્રભાઇ પટેલ અને મહેન્દ્રભાઇ આર. પટેલ (રહે. અંબાલાલ ગરબા ગ્રાઉન્ડ પાસે, કારેલીબાગ) સામે ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાંચમાં મોડીરાત્રે ઉપરોકત ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાંચ પોલીસે કલ્પેશ પટેલની મોડીરાત્રે ધરપકડ કરી હતી.
૧૬૦૦ કરોડથી વધુનું કૌભાંડ કરી લંડન ભાગી ગયેલો કેેમરોક ઇન્ડસ્ટ્રીઝનો પૂર્વ એમ.ડી. કલ્પેશ પટેલ તાજેતરમાં માતાનું અવસાન થતા વડોદરા પરત આવ્યો હતો તેવી બાતમી મળતા પી.સી.બી. પો.ઇ. આર.સી. કાનમિયાએ બુધવારે સાંજે નટુભાઇ સર્કલ સ્થિત એટલાન્ટીક ૪ના ફલેટમાંથી કલ્પેશ પટેલની ધરપકડ કરી હતી. ત્યારબાદ ૪૪૩ કરોડ ઉપરાંતની બેન્ક લોન કૌભાંડની ફરિયાદ ક્રાઇમ બ્રાંચ પોલીસમાં થતા તેની ધરપકડ કરવામાં આવી હતી.
ઉદ્યોગપતિ કલ્પેશ પટેલની કેમરોક કંપનીએ અલ્હાબાદ, પંજાબ નેશનલ બેન્ક, એકસીસ, આંધ્ર, યુનિયન તેમજ એકસપોર્ટ, આઇસીઆઇસીઆઇ, ઇન્પોર્ટ બેન્કોમાંથી લોન લઇ રૂા.૧૬૫૪ કરોડનું કૌભાંડ આચર્યું હતું. જૂન માસમાં સ્વિસ સરકાર દ્વારા સ્વિસ બેન્કમાં કાળુ નાણું છૂપાવ્યું હોય તેવા ૫૦ એકાઉન્ટ હોલ્ડરો પૈકી કલ્પેશ પટેલના નામનો ઉલ્લેખ કરાયો હતો.