નડિયાદ,તા.૪
કોંગ્રેસમાં રાજીનામાંનો દોર હજી યથાવત છે. પાર્ટીથી નારાજ થઇને કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ પાર્ટીના પદો પરથી રાજીનામું ધરી દીધું છે. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને લખેલા એક પત્રમાં ડાભીએ કહ્યું છે કે, પાર્ટી હાઇ કમાન્ડ દ્વારા ખેડા સંસદીય મતવિસ્તાર માટે બિમલ શાહની પસંદગીથી તેઓ નારાજ છે. બિમલ શાહની પસંદગી થતાં મને અને સંખ્યાબંધ કાર્યકર્તાઓને દુખ પહોંચ્યું છે અને તેથી મારા સહિત પાર્ટીના સંખ્યાબંધ આગેવાનો અને કાર્યકર્તાઓ પોતાના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપીએ છીએ. ઉલ્લેખનીય છે કે ખેડા બેઠક પરથી બિમલ શાહના નામ જાહેર થતાં જિલ્લા કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો હતો. ધારાસભ્ય કાળુસિંહ ડાભી સહિતના જિલ્લા પંચાયતના હોદ્દેદારોએ રાજીનામાની ચીમકી આપી હતી અને ઉમેદવારના નામ પર ફેર વિચારણા કરવા માટે માગ કરી હતી. કોંગ્રેસે ખેડા બેઠક પરથી બિમલ શાહને ટિકિટ ફાળવી છે જે પહેલા ભાજપામાં હતા. કેશુભાઇ પટેલ સરકારમાં મંત્રી રહી ચૂકેલા બિમલ શાહ થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં જોડાયા હતા. પાર્ટીએ તેમને ટિકિટ આપતાં પાયાના કાર્યકરોમાં રોષ જોઇ શકાય છે. આ બેઠક પર ઉમેદવારો માટે ભારે જુથબંધી જોવા મળી હતી. કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ એ જણાવ્યું હતું કે, મે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપેલ છે. હું કોંગ્રેસ સાથે છું પરંતુ હાલમાં કોંગ્રેસે દિનશા પટેલની વાત માની છે. આ બેઠકની ક્ષત્રિય ઉમેદવારી જ જીતી શકે છે. દિનશાને કોંગ્રેસની ઘોર ખોદી છે. કોંગ્રેસના નિર્ણય સામે મારી નારાજગી હોઈ મે આજે રાજીનામું આપેલ છે. બીજી બાજુ ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેશભાઈએ પણ રાજીનામું આપ્યું હોવાની ચર્ચા છે. તેમનો મોબાઈલ બંધ આવતો હતો. જેથી વાત થઈ નથી.