(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૯
દરિયાપુર વિધાનસભા મત વિસ્તારમાં મતદાર યાદીમાંથી ર૭૬ લઘુમતી મતદારોના નામ કમી કરી નાખવાનું ગંભીર ષડ્યંત્ર ખુલ્યા બાદ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વર્ષ ર૦૧રથી ૧-૭-ર૦૧૭ સુધીની મતદાર યાદીની ચકાસણી કરતા મ્યુનિ. કાલુપુર વોર્ડના લઘુમતી સમાજના ર હજારથી વધુ મતદારોના નામ ઓછા હોવાનું અને ૩ હજાર ભૂતિયા મતદારો હોવાનું જાણવા મળતા ધારાસભ્યે આજરોજ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે મળેલી રાજ્ય ચૂંટણી પંચની બેઠકમાં મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી. સ્વૈનનું ધ્યાન દોરતા અને મતદાર યાદીની રિ-સર્વે કરવા રજૂઆત કરતા તેઓએ આ બાબતની ગંભીરતા જોઈ અમદાવાદના કલેક્ટર અવંતિકા સિંઘને તપાસ સોંપી છે.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યંુ હતું કે જિલ્લા ચૂંટણી અધિકારી ચૌધરીએ જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી લઈ અત્યારસુધીની મતદાર યાદીની ચકાસણી કરવામાં આવે, કારણ કે અમારો સીધો આક્ષેપ છે કે ભાજપના ઈશારે તેઓએ દરેક વોર્ડમાંથી લઘુમતી મતદારોના નામ કમી કર્યા છે અને ભૂતિયા નામો ઉમેરવામાં આવ્યા હોવાથી તેની ચકાસણી જરૂરી છે. અમે આ બાબતે આગામી સપ્તાહમાં ગુજરાતની મુલાકાતે આવનાર રાષ્ટ્રીય ચૂંટણી કમિશનરનું પણ ધ્યાન દોરીશું.
આ ઉપરાંત તેમણે માગણી કરી છે કે દરિયાપુર વિધાનસભામાં જેટલા પણ સંવેદનશીલ મતદાન મથકો હોય તે તમામ મતદાન મથકો ઉપર વીડિયોગ્રાફી કરવામાં આવે તેમજ સીસી ટીવી કેમેરાથી સીધી દેખરેખ રાખવામાં આવે. ચૂંટણી પંચે વખતો વખત મતદાર યાદી સુધારણાના કાર્યક્રમો યોજેલ છે. તેથી પ૧ દરિયાપુર વિધાનસભામાં તા.૧-૧-ર૦૧૭થી ૩૦-૮-ર૦૧૭ સુધી કેટલા ૬ નંબર નવા ફોર્મ જમા થયા ? કેટલા નામો ઉમેરવામાં આવ્યા ? અને કેટલા રદ કરવામાં આવ્યા ? તેમજ રદ કરવાના કારણે શું છે ? તેની મને લેખિત માહિતી આપવા માગણી કરી છે. મને અસંખ્ય ફરિયાદો મળેલ છે કે બેથી ત્રણ વખત અરજી કરવા છતાં મતદાર યાદીમાં નામોનો સમાવેશ કરવામાં આવેલ નથી. ધારાસભ્યે જણાવ્યું છે કે મારી માહિતી મુજબ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, બી.એલ.ઓ. મારફતે કરવામાં આવે છે. ચૂંટણી પંચ મતદાર યાદી તેમજ ફોટો ઓળખ કાર્ડ પ્રાઈવેટ એજન્સીથી ઉપરોક્ત કામ કરાવે છે તે વાત સાચી છે કે કેમ ? જો હા તો કઈ કઈ એજન્સીને કામ સોંપવામાં આવ્યું. તેની સમય મર્યાદા કેટલી અને ધારા ધોરણ શું છે ? તેની માહિતી આપવા જણાવ્યું છે.
કાલુપુરની ર૦ જેટલી પોળમાં ધંધાકીય બાંધકામો થયા છતાં મતદારો વધ્યા !

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે કે તા.રપ-૯-ર૦૧૭ના રોજ પ્રસિદ્ધ થયેલ યાદીમાં છબરડા દેખાતા અમે ર૦૧રથી ૧-૭-ર૦૧૭ સુધીની મતદાર યાદીની ચકાસણી કરતા મ્યુનિ. કાલુપુર વોર્ડના મતદારોમાં ર૦૧રની મતદાર યાદીમાં સમાવિષ્ટ લઘુમતી સમાજના ર૦૦૦ કરતા વધુ મતદારો ૧-૭-ર૦૧૭ની યાદીમાં ઓછા થયા છે. આશ્ચર્યજનક રીતે છેલ્લા ૧૦ વર્ષથી કાલુપુરની પોળોમાં રહેઠાણની જગ્યાનો કોમર્શિયલ વપરાશ તરીકે મોટા પ્રમાણમાં ઉપયોગ શરૂ થયેલ હોઈ મોટી સંખ્યામાં મતદારો સ્થળાંતર કરી ગયા છે. જેમાં મુખ્ય રીતે (૧) મામૂનાયકની પોળ (ર) રાજા મહેતાની પોળ (૩) હાજા પટેલની પોળ (૪) ઝવેરીવાડ તથા દોશીવાડાની પોળ (પ) રતનપોળ (૬) પાડાની પોળ (૭) નાની બ્રહ્મપુરીની પોળ (૮) ગાંધીરોડ ઉપરની તમામ પોળો સહિત કુલ ર૦ જેટલી પોળોમાં મતદારો સ્થળાંતર કરી ગયેલ છે અને રહેઠાણને બદલે કોમર્શિયલ ઉપયોગ થતા મતદારોની સંખ્યા ઓછી થવી જોઈએ તેના બદલે ૩૦૦૦ મતદારોના નામ વધ્યા છે. મ્યુનિ. કોર્પો, કાલુપુર વોર્ડની યાદીમાં ભૂતિયા મતદારો નોંધાયેલ છે તેની અમને પૂરેપૂરી શંકા છે. તેથી આ સઘન ચકાસણીનો વિષય છે. સમગ્ર દરિયાપુર વિધાનસભા સહિત કાલુપુર વિસ્તારનો રિ-સર્વે કરવા મતદાર યાદી ઓનલાઈન હોઈ ફોટો અને નામસર્ચ કરી તટસ્થ ચકાસણી કરવા, અમદાવાદ શહેરમાં બે જગ્યાએ ચાલતા હોઈ તેમને નોટિસ પાઠવી જ્યાં મતદારો રહેતા હોય તે જ મતક્ષેત્રમાં નામ ચાલુ રાખવા તેઓને નોટિસ પાઠવવા માગણી કરવામાં આવી છે.
મતદારો જાગો…, નહીં તો પાંચ વર્ષ સુધી ઊંઘ હરામ થઈ જશે
દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની જાગૃતતાથી મતદાર યાદીમાંથી લઘુમતી મતદારોના નામો ગુમ થયાનું અને ભૂતિયા મતદારોના નામ દાખલ કરાયાનું જે ષડ્યંત્ર ખૂલવા પામ્યું છે ત્યારે આવું જ ષડ્યંત્ર મુસ્લિમોની લઘુમતી ધરાવતા દરેક વિસ્તારમાં કરાયું હોવાની શક્યતા છે. તે જોતા સ્થાનિક મુસ્લિમ આગેવાનોએ, રાજકીય અને સામાજિક આગેવાનોએ અને ખુદ મતદારોએ પણ જાગૃત બની મતદાર યાદીમાં પોતાના નામો ચકાસી લેવા જરૂરી છે. અન્યથા છેલ્લી ઘડીએ મતદાન મથકમાં જઈ હોબાળો કરવાથી કશું નહીં થઈ શકે. મતદારોના નામો કમી કરવા કે ભૂતિયા મતદારો ઉમેરવા એ નાની ઘટના નથી ચૂંટણીમાં એક એક મત મહત્ત્વનો બની રહેતો હોય છે ત્યારે બે પાંચ હજાર મતોના તફાવતની ઉમેદવારને સીધી હારનો સામનો કરવો પડી શકે છે અને પાછળથી તંત્રનો વાંક કાઢી કોસવાથી કશું નહીં વળે એટલે અત્યારથી જ જાગૃત બનવાની જરૂર છે. નહીં તો પાંચ વર્ષ સુધી પ્રજાની ઊંઘ હરામ થઈ જશે.