અમદાવાદ, ૨૮
અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદ પડતાં તારાજી સર્જાઇ છે. અમદાવાદની પોળોમાં આવેલાં જૂનાં અને જર્જરિત મકાનો પડવાનો સિલસિલો યથાવત્‌ રહ્યો છે. ગઇ કાલે વહેલી સવારે ભારે વરસાદ પડવાથી દસથી વધુ મકાનો ધરાશાયી થયાં હતાં, જ્યારે આજે વહેલી સવારે કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે તરગાળાની પોળમાં આવેલ ચાર માળનું બંધ મકાન ધરાશાયી થઇ ગયું હતું. આ મકાન બાજુમાં આવેેલા બે માળના મકાન પર પડતાં તે મકાન પણ ધરાશાયી થઇ ગયું હતું, જેમાં દસ લોકો દટાયા હતા, જોકે પાંચેક લોકો સહીસલામત બહાર નીકળી ગયા હતા, જ્યારે અન્ય ચારને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યા હતા. હાલમાં એક વ્યકિતની શોધખોળ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે તરગાળાની પોળમાં આવેલ ચાર માળનું બંધ મકાન ધરાશાયી થયું છે, જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ચાર જણાને બહાર કાઢ્યા હતા, જેમાં હંસાબહેન સૂર્યકાંત (ઉં.વ.૮૦) નામનાં વૃદ્ધાને વધુ ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં હતાં.
ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ ચાર માળનું બંધ મકાન વહેલી સવારે ધરાશાયી થયુું હતું, જેનો કાટમાળ બાજુમાં આવેલ બે માળના મકાન પર પડતાં તે મકાન પણ ધરાશાયી થયું હતું. બે માળના મકાનમાં હંસાબહેન સૂર્યકાંતભાઇ અને શંકર ગારિયાભાઈ ઉપરાંત શેતુ બંગાળી, દીનુ બંગાળી, દેવ શેતુભાઈ, શૈલેષ સોલંકી, પ્રકાશ સોલંકી, મિનાક્ષી સોલંકી, વૈશાલી સોલંકી અને ભાવેશ સોલંકી સહિત દસેક લોકો રહેતા હતા, જેમાં પાંચ લોકો ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં જ બહાર નીકળી ગયા હતા, જ્યારે ચાર લોકોને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યા હતા. શંકર ગારિયાભાઈનો મૃતદેહ હાથ લાગ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ કોર્પોરેશન દ્વારા આ તમામ મકાનોને નોટિસ આપવામાં આવી હતી છતાં આ ભયજનક મકાનમાં તેઓ રહેતા હતા. ભયજનક મકાન હોવા છતાં પણ લોકો તેમાં રહેતા હતા તે કોર્પોરેશનના ધ્યાને ના આવતાં આજે આ ઘટના ઘટી હતી. આ ઉપરાંત ખોખરા વિસ્તારમાં આવેલા શિયોનનગરના કવાર્ટર્સમાં પણ એક મકાનની છત ધરાશાયી થઇ હતી, જેમાં નીચે પડેલી એક રિક્ષાને નુકસાન થયું હતું, જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી.