(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૮
ફતેગંજ વિશ્વામીત્રી નદીનાં કિનારે આવેલ કલ્યાણનગર વસાહત નવેમ્બર ૨૦૧૪ વડોદરા મ્યુ. કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવી હતી. રજુઆતો અને આંદોલન બાદ બાકી રહેલા અસરગ્રસ્તોને કલ્યાણનગર ખાતે જ આવાસ બનાવી ફાળવણી કરી આપવાની બાહેંધરી આપવામાં આવી હતી. તેમાંથી ફરી જઈ અસરગ્રસ્તો ને તાંદલજા ખાતે આવાસો સ્વીકારી લેવાની જે રમત રમવામા આવી રહી છે તેનો વિરોધ કરતાં મુસ્લિમ અગ્રણી ડો.જે.એસ.બંદુકવાલા એ મ્યુ. કમિશ્નરને ખુલ્લો પત્ર લખી કલ્યાણનગરમાં અધુરા રહેલા બાંધકામને પુર્ણ કરી અસરગ્રસ્તોને કલ્યાણનગર ખાતે જ આવાસો ફાળવવામા આવે તેવી માંગણી કરી છે.વડોદરાના મ્યુ. કમિશ્નરને લખેલ ખુલ્લા પત્રમાં ડો.જે.એસ.બંદુકવાલાએ જણાવ્યું છે કે, વડોદરા શહેરના વિશ્વામીત્રી નદીનાં કિનારે લગભગ ૨૫૦૦ કુટુંબોની વસ્તી કલ્યાણનગર વસાહતમાં જેમાં ૨૦ ટકા જેટલા બીન મુસ્લિમો વસવાટ કરતા હતાં. તેમને નવેમ્બર ૨૦૧૪માં મ્યુ. કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરીને બેઘર કરી નાંખવામાં આવ્યા. ત્યારબાદ ઘણી રજુઆતો આંદોલનો બાદ ૧૭૦૦ જેટલા કુટુંબોને પ્રતાપનગર, માણેજા, તરસાલી, કિશનવાડી, સોમા તલાવ, જેવા વિસ્તારોમાં મકાનો ફાળવી તેઓને વેર વિખેર કરાયા પરંતુ હજી પણ ૬૧૮ જેટલા કુટુંબોને મકાનોની ફાળવણી નહિ કરાતા લાંબા સમય સુધી ચળવળ ચલાવવી પડી, લોકસભા અને રાજ્ય સભા સુધી આ બાબતે કેન્દ્ર સરકાર સમક્ષસવાલો ઉઠાવાયા.
ત્યારબાદ વડોદરા શહેરનાં ત્રણ ધારાસભ્યો જેમાંથી એક ધારાસભ્ય હાલ ગુજરાત સરકારમાં મંત્રી છે. તેઓ અને તત્કાલીન મ્યુ.કમિશ્નર મેયર સીટી એન્જીનીયર તથા જવાબદાર અધિકારીઓની હાજરીમાં મોડીરાત સુધી ચાલેલી મંત્રણામાં આ બેઘર થયેલા લોકોને કલ્યાણનગર સાઈટ ઉપર જ મકાનો બાંધી આપવાનું વચન અપાયુ જેને વડોદરા મ્યુ. કોર્પોરેશનની સ્થાયી સમિતિ અને સમગ્ર સભાએ મંજુર કરી મ્યુ. કોર્પોરેશન દ્વારા ૧૦૬-૨૦૧૫-૧૬ શ્રી પબ્લીક નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું.
અને જાહેર કરાયું કે જ્યાં સુધી આ બાકી રહી ગયેલા અસરગ્રસ્તોને મકાનોની ફાળવણી નહિં થાય ત્યા સુધી દરેકને માસીક રૂપિયા ૩ હજાર પ્રમાણે ભાડુ ચુકવવામા આવશે અને તે મુજબ ભાડુ ચુકવવામાં આવ્યું.પરંતુ અચાનક જુન ૨૦૧૭થી આ ભાડાની ચુકવણી બંધ કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે તમે કલ્યાણનગરનો હક્ક છોડીને જ્યાં મુસ્લિમ વસ્તી છે. ત્યાં તાંદલજામાં મકાનો સ્વીકારી લો જેથી કલ્યાણનગરમાં તૈયાર થયેલા મકાનો જે આવાસો યોજનાના મકાનો હતાં તેને એમઆઈજી યોજનામાં લઈ જઈ ઉંચી કિંમત વેચી શકાય જે ન્યાયીક રીતે કોઈપણ પ્રકારે સુસંગત નથી. અગાઉ આ જ અસરગ્રસ્તોને સયાજીપુરામાં ડ્રો દ્વારા મકાનો ફાળવાયા તો ત્યાંથી બિલ્ડર લોબીઅને તત્કાલીન મેયરના પુત્ર દ્વારા વિરોધ કરાતા ડ્રો કરાયા બાદ પણ મકાનોની ફાળવણી રોકી દેવાઈ.
ત્યારબાદ બિલ્ડર લોબી રાજકીય વ્યક્તિઓ અને હવે મ્યુ. કોર્પોરેશન પણ મુસ્લિમો મુસ્લિમ વિસ્તારમાં જ રહેતે પ્રમાણેનાં વાતાવરણનું નિર્માણ કરી રહેલ છે. જે સૌના સાથ સૌનો વિકાસના રાજકીય નારાનો ઉપહાસ કરી રહેલ છે અને જો આમ થાય તો દક્ષિણ આફ્રિકા અથવા દક્ષિણ અમેરિકામાં માર્ટીન લ્યુથરકીંગ દ્વારા કરાયેલ ચળવળને સાર્થક કરે છે.
તત્કાલીન ધોરણે આ પ્રસ્નનો ઉકેલ લાવી સૌથી પહેલા તો તેઓને રોકી રખાયેલ માસિક ભાડાની ચુકવણી કરવામાં આવે અને નક્કી થયા મુજબ કલ્યાણનગરમાં જ મકાનોની ફાળવણી કરો.કલ્યાણનગરમાં મકાનોના બાંધકામમાં જે ખાયકી અથવા ભ્રષ્ટાચાર થયો તેમાં આ ગરીબ અસરગ્રસ્તોનો કોઈ જ વાંક કે ગુનો નથી તો પછી બાંધકામની કિંમત વધી જવાનાં બહાના હેઠળ આ અસરગ્રસ્તોને તાંદલજા કઈ રીતે કાઢી શકાય તેમ જણાવી ડો.જે.એસ.બંદુકવાલાએ કરી છે. તમામ અસરગ્રસ્તોને તાત્કાલીક અસરથી માસિક ભાડાની ચુકવણી કરવામા૩ં આવે અને કલ્યાણનગરમાં અધુરા રહેલા બાંધકામને વહેલી તકે પુરૂ કરીને મકાનોની ફાળવણી કરવામાં આવે જેથી ન્યાય અને જવાબદાર ધારાસભ્યો, મેયર, તત્કાલીન મ્યુ. કમિશ્નર તથા જવાબદાર અધિકારીઓ દ્વારા અપાયેલ બાંહેંધરી અને વચન તથા દૈનિક પેપરોમાં જાહેર કરાયેલ પબ્લીક નોટીફીકેશન ૧૦૬-૨૦૧૫-૧૬ પુર્તતા થઈ શકે.