(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
આમ આદમી પાર્ટી (આપ)એ રામ મંદિરને કેસરિયા પક્ષની રાજકીય વોટ બેંક ગણાવીને ગુરૂવારે જણાવ્યું કે બધા રાજકીય પક્ષોએ ન્યાયતંત્રનો આદર કરવો જોઇએ અને અયોધ્યા વિવાદ અંગે ન્યાયતંત્રને તેનું કામ કરવા દેવું જોઇએ. આપના સાંસદ સંજયસિંહે જણાવ્યું કે અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમકોર્ટે જે કંઇ ચુકાદો આપે તેને બધા રાજકીય પક્ષોએ આવકારવું જોઇએ. તેમણે એવું પણ કહ્યું કે ચુકાદો ગમે તે આવે કોંગ્રેસ, ભાજપ, આપ, સુન્ની વકફ બોર્ડ અને રામ લલ્લા પાર્ટીએ પણ તેને આવકારવું જોઇએ. વોટ બેંક તરીકે મંદિર મુદ્દાનો ઉપયોગ કરવા બદલ ભાજપ સામે પ્રહાર કરતા સંજયસિંહે જણાવ્યું કે રામ મંદિર ભાજપ માટે રાજકીય વોટ બેંક છે. ભાજપને રામની કંઇજ પડી નથી. તેમણે એવું પણ કહ્યું કે છેલ્લા ૨૫ વર્ષથી ભાજપ મંદિર બનાવવા વિશે ચીસો પાડી રહ્યો છે પરંતુ ક્યારે તેઓ મંદિરનું નિર્માણ કરશે, તેની કોઇ તારીખ જાહેર કરી રહ્યો નથી. તેમણે એવું કહ્યું કે ભાજપ પસંદગીની રીતે સુપ્રીમકોર્ટને અનુસરે છે. ત્રણ તલાક અંગે સુપ્રીમકોર્ટના આદેશને અનુસરીને મહિલાઓના અધિકારોની ચિંતા કરતા અને ધ્યાન રાખતા હોવાનો તેઓ દાવો કરે છે પરંતુ સબરીમાલા અંગે સુપ્રીમકોર્ટના આદેશને તેઓ માનતા નથી. તમારે સુપ્રીમકોર્ટના આદેશનું સંપૂર્ણપણે પાલન કરવું જોઇએ. ૧૯૯૨ની ૬ઠ્ઠી ડિસેમ્બરે એક વિશાળ ટોળાએ અયોધ્યામાં ૧૬મી સદીની બાબરી મસ્જિદ શહીદ કરી નાખી હતી અને બાબરી મસ્જિદના સ્થળે ઝડપથી એક કામચલાઉ મંદિર બનાવી દીધું. હિન્દુ સંગઠનો શહીદ કરવામાં આવેલી બાબરી મસ્જિદના સ્થળે વિશાળ મંદિર બનાવવા માગે છે.