(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૩
અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા નિવારવા મ્યુનિસિપલ તંત્ર દ્વારા ગીચ ટ્રાફિક ધરાવતા વિસ્તારમાં ઓવરબ્રિજ કે અન્ડર પાસ બનાવી ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો પ્રયત્ન કરે છે. એ માટે ડઝનબંધ ઓવરબ્રિજ કે અન્ડર પાસ બનાવ્યા છે. પરંતુ સૌથી વધુ ટ્રાફિક ધરાવતા વિશાલા સર્કલથી સાણંદ ચોકડી સુધી વર્ષોની માગણી છતાં ઓવરબ્રિજ ન બનાવાતા આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે અને અનેક નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે. જો આ સમસ્યાનો વહેલીતકે નિકાલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જવા વિશાલા સર્કલથી સાણંદ ચોકડી મુખ્ય માર્ગ છે. અગાઉ એસ.ટી. બસો પણ આ જ રૂટ પરથી અવરજવર કરતી હતી. પરંતુ કોઈ અગામી કારણસર સરકારે આ રૂટ પરથી એસ.ટી. બસો બંધ કરી છેક નહેરૂનગર એસ.જી. હાઈવે થઈ સરખેજ સુધી ફેરવી લઈ જવાની શરૂઆત કરી છે. હાલ એએમટીએસ બસો, એસટીની લોકલ બસો અને સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રકો સહિતના ભારે વાહનો તથા શહેરમાંથી જીઆઈડીસી ચાંગોદર કે બાવળા તરફ જતા ઉદ્યોગકારો મોટા ભાગે આ જ રસ્તાનો ઉપયોગ કરે છે.આ રસ્તા પર વધતા જતા વાહનવ્યવહાર અને સ્થાનિક લોકોની અવરજવરથી બારે માસ ટ્રાફિકની સમસ્યા સર્જાયેલી રહે છે. પરિણામે કેટલીકવાર નાના-મોટા અકસ્માતો પણ સર્જાતા રહે છે. આથી આ સમસ્યા નિવારવા કોંગ્રેસના સ્થાનિક નેતાઓ, મુસ્લિમ આગેવાનો અને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા વિશાલાથી સાણંદ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવવા અનેક વખત રજૂઆત કરી ચૂકયા છે. કોંગ્રેસના મકતમપુરા વોર્ડના મ્યુનિ. કાઉન્સિલર હાજીભાઈ મીરઝાએ જણાવ્યું છે કે વિશાલાથી સાણંદ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવવા યુપીએ સરકાર વખતે માગણી મુકાઈ હતી અને કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી હતા ત્યારે ઓવરબ્રિજ બનાવવાનું કામ મંજૂર પણ થઈ ગયું હતું. પરંતુ ત્યાર બાદ જે તે કારણસર કામ આગળ વધ્યું નથી. આ અંગે અમે તાત્કાલિક મેયર ગૌતમ શાહ અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં હજી સુધી ઠાલા આશ્વાસનો સિવાય કોઈ કામ થયું નથી. તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે અંજલી ચાર રસ્તા પાસે ઓવરબ્રિજ બનાવી શકાતો હોય કે જયાં હજી જરૂર નથી, તો પછી સૌથી વધુ વ્યસ્ત વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવામાં તંત્રને કેમ પેટમાં દુઃખે છે ! કારણ કે આ રસ્તા પર નાના-મોટા અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે લોકોની સમસ્યાને ધ્યાને રાખીને નહીં પરંતુ માનવ જિંદગી બચાવવા પણ તંત્રએ વિશાલાથી સાણંદ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવવાની તાતી જરૂરિયાત છે.