(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૪
નીતનવા વિવાદોમાં સપડાયેલા માંજલપૂરથી અટલાદરા બ્રિજનું કામ અધૂરૂં છે ત્યારે હવે તે અધુરા બ્રિજનું કામ હાથ ધરાતા સ્થાનિકોએ આજે વિરોધ નોંધાવ્યો હતો અને બ્રિજનું કામ પડતું મૂકવાની માગણી કરી હતી.
વર્ષ ર૦૧૧-૧રમાં કોર્પોરેશને અટલાદરાથી માંજલપૂરને જોડાતા બ્રિજનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. માંજલપુરથી દરબાર ચોકડીથી ટ્રાન્સપેક કંપની સુધીનો રૂા.૬૦ કરોડનો બ્રિજ બનાવવાનું કામ હાથ ધરાયું હતું. ત્યાં ૩૬ મીટરના રોડનું કામ પણ હાથ ધરાયું હતું, પરંતુ જમીન સંપાદનના અભાવે બ્રિજનું કામ પૂર્ણ થઈ શકયુું ન હતું. જે બ્રિજ વિવાદમાં સપડાયો હતો. છેલ્લા સાત વર્ષથી બ્રિજની કામગીરી અધૂરી હતી.
અધૂરા બ્રિજનું રૂા.૧.પ કરોડનો પ્રાયમરી ખર્ચ કરીને કામગીરી ફરી હાથ ધરાઈ હતી. ત્યાં લોકોએ તે કામગીરી સામે વિરોધ નોંધાવાયો હતો. રહીશોએ મત વ્યક્ત કર્યો કે, સોસાયટી કે વસ્તી નથી એવા જંગલ વિસ્તારમાં બ્રિજની જરૂર નથી. જે બ્રિજ અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની જશે. બ્રિજ બનાવીને કોર્પોરેશન રૂપિયાનો વેડફાટ ન કરે અને બ્રિજનો પ્રોજેક્ટ રદ કરે તેવી માગણી સાથે દેખાવો કર્યો હતો. વિરોધ છતાં બ્રિજ બનાવાશે તો જલદ આંદોલન કરાશે તેવી ચીમકી આપી હતી.કોંગ્રેસના કોર્પોરેટર ચિરાગ ઝવેરીએ મ્યુનિ. કમિશનરને આજે જ પત્ર થકી રજૂઆત કરી હતી કે, નાગરિકોના પરસેવા સ્વરૂપે ભરેલ વેરાનો આડેધડ વેડફાટ થવો જોઈએ નહીં. જેથી રૂપિયા ખર્ચ કરવા છતાં પણ તે બ્રિજ કે રોડનો ઉપયોગ કરી શકાયો નથી ત્યારે બ્રિજની કામગીરીમાં ઉતાવળ ન કરવી જોઈએ તેવી રજૂઆત કરી હતી.