ચેન્નાઇ,તા.૨
અભિનેતામાંથી નેતા બનેલા મક્કલ નિધિ મૈય્યમના અધ્યક્ષ કમલ હાસને તામિલ અને સંસ્કૃત જેવી જૂની ભાષાઓની સરખામણીમાં હિંદી ભાષાને ‘ડાયપરમાં નાનુ બાળક’ ગણાવ્યું છે. ચેન્નઈની લોયોલા કોલેજમાં મંગળવારે કમલ હાસનને જ્યારે ભાષાઓ પર ચાલતી રાજનીતિ વિશે સવાલ કરાયો તો તેમણે કહ્યું કે,’ભાષાઓના પરિવારમાં, સૌથી નાની ભાષા હિંદી છે. જે ડાયપરમાં એક નાનું બાળક છે. આપણે તેનું ધ્યાન રાખવાનું છે. તામિલ, સંસ્કૃત અને તેલુગુની સરખામણીમાં હિંદી સૌથી નાની ભાષા છે.’
કમલ હાસને કહ્યું કે, ‘હિંદી એક સારી ભાષા છે પરંતુ તેને થોપી ન શકાય’ તેમણે કહ્યું કે,’હું હિંદીનું અપમાન નથી કરતો પરંતુ તેમને જબરજસ્તીથી અમારા ગળે ન વળગાડો.’ નોંધનીય છે કે ભાષા પર આ રણસંગ્રામ ત્યારથી શરુ થયો હતો જ્યારથી અમિત શાહે એવું નિવેદન આપ્યું હતું કે,’એક દેશ, એક ભાષા’.
આ પહેલા ફેમસ એક્ટર રજનીકાંતે પણ હિંદી ભાષાને એક ભાષા અને હિંદીને રાષ્ટ્રભાષાવાળા અમિત શાહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કોઈપણ દક્ષિણનું રાજ્ય હિંદીને નહીં અપનાવે. તેમણે કહ્યું કે હિંદી હોય કે પછી અન્ય ભાષા. તેને જબરજસ્તીથી થોપવામાં ન આવવી જોઈએ.