(એજન્સી) ચેન્નાઈ, તા.૪
અભિનેતામાંથી નેતા બનેલ કમલ હાસને કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી સાથે કાવેરી નદીના પાણીની વહેંચણીની ચર્ચા કરવા મુલાકાત કરી હતી. મુલાકાત પછી કમલ હાસને કહ્યું મુખ્યમંત્રી સાથેની વાતચીત ફળદાયી નિવડશે. એમનો પ્રતિભાવ હૃદયસ્પર્શી હતો.
તામિલનાડુ અને કર્ણાટક વચ્ચે કાવેરી પાણીની વહેંચણીનો મુદ્દો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ગયા મહિને રજનીકાંતે પણ કુમારસ્વામીને જણાવ્યું હતું કે તામિલનાડુને પાણી મળી રહે એવા પ્રયાસો કરવા જોઈએ.
પાણીની વહેંચણી મુદ્દે કોર્ટ બહાર સમાધાનને કમલ હાસને હાસ્યાસ્પદ જણાવ્યું હતું. એમણે કહ્યું અમે પાણીની વહેંચણી કરી રહ્યા છીએ. જેમાં બે માર્ગો હોઈ નહીં શકે. મને પ્રસન્નતા છે કે મુખ્યમંત્રી આ મુદ્દે આમ જ વિચારી રહ્યા છે.
કુમાર સ્વામીના પુરોગામી સિદ્ધારમૈયાએ કાવેરીમાંથી પાણી છોડવા ઈન્કાર કર્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ છતાંય એમની સરકારે આદેશ મુજબ પાણી છોડ્યું ન હતું. એમની દલીલ હતી કે પાણી છે જ નહીં તો ક્યાંથી આપીએ.
કુમારસ્વામી પણ એમના જવા જ વિચારો વ્યક્ત કરી રહ્યા છે. કુમારસ્વામીએ કહ્યું જો કર્ણાટક પાસે વધુ પ્રમાણમાં પાણી હોય તો જ પાણી આપી શકીશું. મેં રજનીકાંતને નિમંત્રણ આપ્યું હતું કે અહીં આવીને જુઓ કે પાણી છે કે નહીં એ પછી આપણે ચર્ચા કરીએ.
ઘણાં સમય પછી સુપ્રીમ કોર્ટના આદેશથી સરકારે કાવેરી વોટર મેનેજમેન્ટ બોર્ડની રચના કરી છે. જેના દ્વારા દક્ષિણના ચાર રાજ્યો વચ્ચે કાવેરીના પાણીની વહેંચણી કરાશે.