આ સૃષ્ટિના સર્જનહારે પોતાના દરેક સર્જનમાં સૌદર્ય ઠાંસી ઠાંસીને ભર્યું છે. જોનારામાં જો દૃષ્ટિ હોય તો તે કુદરતના આ અફાટ સૌંદર્યને થોડું ઘણું પામી શકે. સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધીમાં સર્જનહાર એવી રંગપૂરણી કરે છે કે પામર માનવી તો તેનો તાગ પણ મેળવી શકતો નથી. વળી કુદરતે જ્યાં માનવી વસવાનું તો દૂર પણ પહોંચીય નથી શકતો એવી જગ્યાએ પણ પોતાનો નજારો વેર્યો છે. અત્રે કેટલીક એવી તસવીરોની શ્રેણી પ્રસિદ્ધ કરી રહ્યા છીએ જે જોઈને તમે પણ કુદરતની વાહવાહી કર્યા વગર રહી નહી શકો. પ્રસ્તુત તસવીર ફલોરિડાના મેકઆર્થર બીચની સૂર્યાસ્ત વેળાની છે. આ તસવીરમાં પ્રકૃતિએ તેનું સૌંદર્ય ચોમેર નિખાર્યું છે. જોનારા જોયા જ કરે એવી આ તસવીરમાં રંગબેરંગી આકાશ, અસ્ત પરખી રહેલા સૂર્ય, ખળખળ વહેતો સમુદ્ર અને તેના કિનારે ડોકિયાં કરતી જમીન એમ કુદરતના મૂળભૂત તત્ત્વોનું એકી સાથે ગજબનું મિશ્રણ જોવા મળે છે.