(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૭
એન.પી.આર. અને એન.આર.સી. બાબતે લોકોનાં ભય અને શંકાને દુર કરવા અને કાયદાની જોગવાઇઓની સ્પષ્ટતા કરવા માટે વડોદરાના વકીલ કમલ પંડયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગણી કરી છે. આ ઉપરાંત એન.આર.સી.ના વિરોધ અને સમર્થનમાં થઇ રહેલા આંદોલનોમાં પ્રજાના પૈસાનો વ્યય થઇ રહ્યો છે. અને લોકોમાં વૈમનશ્ય પેદા થઇ રહ્યો છે. જેથી આ અંગે ખુલાસો કરતાં હોર્ડિંગ્સ અને બેનરો લગાવીને લોકોને ચાલી પરિસ્થિતિ અંગે માહિતગાર કરવાની પણ માંગ કરી છે. વડોદરાના વકીલ કમલ પંડયાએ વડાપ્રધાન મોદીને પત્રમાં લખ્યું છે કે, દેશભરમાં ૧૦૦ કરોડ લોકો દ્વારા આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે અને આધાર કાર્ડમાં તેમની તમામ માહિતી ઉપલબ્ધ છે. આ માહિતી એન.પી.આર.માં કન્વર્ટ થઇ શકે તેમ છે. બીજી તરફ એન.પી.આર.ની કામગીરીમાં ૧૩૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. આ સંજોગોમાં આધાર કાર્ડની માહિતી સીધી લઇ લેવામાં આવે તો ખર્ચ ઘટી શકે તેમ છે અને તે પૈેસાનો શિક્ષણ અને શિક્ષીત બેરોજગારોને નોકરી આપવામાં અને દેશનાં વિકાસમાં તેનો સદ્‌ઉપયોગ થઇ શકે તેમ છે. વકીલ કમલ પંડયાએ વડાપ્રધાનને પત્રમાં વધુમાં લખ્યું છે કે, આજે મોંઘવારી વધી રહી છે. બેરોજગારોની સંખ્યા વધી રહી છે. વસ્તી વધારો પણ ચરમ સીમાએ છે. ધંધા – રોજગાર ઠપ્પ થઇ ગયા છે. આવા સમયે નવા અખતરાઓ દ્વારા પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે તે દુઃખદ બાબત છે. જે અંગે વડાપ્રધાનને જરૂરી ખુલાસા કરવા અને પ્રજામાં રહેલી અસંતોષ અને અંજાપાની લાગણી દુર કરવાની કાર્યવાહી કરવાની માંગ કરી છે.