(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે જણાવ્યું કે ભાજપના ચાર ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને તેઓએ તેમનામાં વિશ્વાસ વ્યક્ત કરીને એવો ઘટસ્ફોટ કર્યો છે કે કેસરિયા પક્ષમાં તેમનું કોઇ ભવિષ્ય નથી. ભાજપના આ ચારે ધારાસભ્યોએ કોંગ્રેસમાં જોડાવાની પોતાની તૈયારી દર્શાવી છે. ભાજપના ધારાસભ્યોએ એવું પણ કહ્યું કે તેમને એવું લાગે છે કે ભાજપમાં તેમનું કોઇ ભવિષ્ય નથી. કમલનાથે એવો પણ દાવો કર્યો કે ભાજપ મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાને જણાવ્યું કે બધા પ્રકારની લાલચો આપીને અમારા ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યામાં ખેડૂતોની લોન માફ કરવાના કોંગ્રેસ સરકારના પગલાથી તેમને ગર્વ હોવાનું પણ કમલનાથે કહ્યું છે. કમલનાથના નેતૃત્વવાળી મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે સત્તા સંભાળ્યાના બે કલાકમાં જ ખેડૂતોની રૂપિયા બે લાખ સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી. તેમણે એવું પણ કહ્યું કે ખેડૂતોની લોન માફી અંગે ભાજપ દ્વારા ખેડૂતોને મુર્ખ બનાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં ૧૦ ટકા અનામત અંગે પણ મતદાતાઓને ભાજપ દ્વારા મુર્ખ બનાવવામાં આવી રહ્યા છે.