(એજન્સી) ભોપાલ, તા.૨૫
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપને પૂર્ણ બહુમતી નહીં મળવા પર વિપક્ષ પાર્ટી કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ગુરૂવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે હરિયાણામાં ભાજપને બહુમતિ નહીં મળવા પર કહ્યું કે ભાજપા નેતાઓએ એક વાત સ્વીકારી લેવી જોઈએ કે દેશની જનતા તેમને નથી સ્વીકારી રહી, જનતાએ તમારો અસ્વીકાર કરી દીધો છે.
મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં કોંગ્રેસની બેઠકમાં મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે, હરિયાણામાં ભાજપને બહુમતી નથી મળી, તેથી ભાજપા નેતાઓએ એ વાત સ્વીકારી લેવી જોઈએ કે લોકો દ્વારા તેમનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. પરંતુ તેમ છતા પણ તેઓ અપક્ષો સાથે ‘જુગાડ’ કરશે અને પોતાની સરકાર રચશે, પરંતુ લોકો આને ક્યારેય નહીં ભૂલે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પણ ગુરુવારે હરિયાણા અને મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોને ભાજપનો નૈતિક પરાજય ગણાવ્યો છે. ગહેલોતે કહ્યું કે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરનારા લોકો માટે આ ચૂંટણી પરિણામ ખૂબ જ આઘાતજનક છે. હરિયાણામાં જનતાએ સત્તારૂઢ ભાજપની વિરુદ્ધ જનાદેશ આપ્યો છે અને ભાજપાએ ‘અબકી પાર ૭૫ પાર’ના નારાને નકારી દીધો છે તેમજ મહારાષ્ટ્રમાં પણ ભાજપ અને તેમની સહયોગી પાર્ટીઓની બેઠકોમાં ઘટાડો નોંધાવો અને કોંગ્રેસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધવો એ અમારા માટે એક સકારાત્મક સંકેત છે.