(એજન્સી) તા.૧
દેશમાં દરેક પાટનગરમાં સત્તાના દલાલો, વચેટિયાઓ એજન્ટો હોય છે. ભોપાલમાં હાલ એક મોટા સેક્સ અને બ્લેકમેઇલ રેકેટનો પર્દાફાશ થયો છે જેમાં પાંચ મહિલાના એક ગ્રુપે ૧૧ આઇએએસ અધિકારીઓ, અડધો ડઝન આઇપીએસ અધિકારીઓ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના કેટલાક અધિકારીઓ તેમજ ભાજપના કેટલાક રાજકીય નેતાઓને ફસાવ્યા હતા.
એવું કહેવાય છે કે આ રેકેટ ૧૦ વર્ષ કરતાં વધુ સમયથી ચાલતું હતુંં. આ રેકેટના મુખ્ય સૂત્રધાર સ્વપ્નિલ જૈન અને તેની પત્ની શ્વેતા છે કે જેમણે અન્ય કેટલીક મહિલાઓને આ રેકેટમાં સામેલ કરીને હની ટ્રેપ કૌભાંડ આચર્યું હતુંં. આ રેકેટની મોડસ ઓપરેન્ડી સરળ હતી. મોટા ભાગના અધિકારીઓને અરેરા ક્લબના સભ્યો બનાવવામાં આવતાં હતાં અને તેમને જહાનૂમા પેલેસ હોટલ ખાતે લઇ જવામાં આવતાં હતાં જ્યાં તેમને કેટલીક સર્વિસ ઓફર કરવામાં આવતી હતી. મોટા ભાગના અધિકારીઓ હની ટ્રેપની આ ઓફર સ્વીકારતા હતા અને સેવાનો ઉપયોગ લેતાં હતાં. આ જૈન યુગલ અનેક એનજીઓ ચલાવે છે અને તેમણે આ માટે અધિકારીઓને ફસાવીને નાણાં ભંડોળ મેળવ્યું હતુંં. અહેવાલો અનુસાર મુખ્ય સચિવ એસ આર મોહંતીએ આ સમગ્ર મામલાને પોતાના હાથમાં લીધો છે અને ડીજીપીને આ યુગલ તેમજ તેમના સાગરીતોને શોધી કાઢવા માટે એક ક્રેક ટીમ રચવા જણાવ્યું છે.
અગાઉ આઇજી શ્રીનિવાસ હેઠળ અને હવે એડીજી લેવલના અધિકારી સંજીવ શમીના વડપણ હેઠળ આ કૌભાંડમાં તપાસ કરવા માટે સીટની રચના કરવામાં આવી છે. શમીએ આ કૌભાંડમાં ફસાયેલા અધિકારીઓ અને રાજકારણીઓના નામો મુખ્ય પ્રધાન કમલનાથને સોંપ્યાં છે. ક્યા ક્યા અધિકારીઓ ફસાયા હતા તેમની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી જ્યારે ભાજપના કેટલાક નેતાઓના નામો અફવાઓ અને અખબારોમાં વહેતા થયા છે.
તેના કારણે કમલનાથને એક મોટું શસ્ત્ર હાથ લાગ્યું છે કારણ કે આ હની ટ્રેપમાં ભાજપના કેટલાય વરિષ્ઠ નેતાઓ ગ્રાહકો હોવાનું માનવામાં આવે છે. જો કે ભાજપે આ કૌભાંડમાં સીબીઆઇ તપાસની માગણી કરી છે. આમ આ સેક્સ સ્કેન્ડલને કારણે કમલનાથની રાજકીય સ્થિતિ મજબૂત થઇ છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ આ અધિકારીઓના નામો જાહેર કરવાની પણ માગણી કરી છે.