નવી દિલ્હી, તા. રપ
કમલનાથ સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કોંગ્રેસ ધારાસભ્ય કમલનાથને જૂતા પહેરાવતા જોવા મળી રહ્યા છે જે અંગે વિવાદ ઊભો થયો છે. જો કે, ત્યારબાદ કોંગ્રેસ ધારાસભ્યે કમલનાથ પિતા સમાન હોવાની સ્પષ્ટતા કરી હતી. આ વીડિયો માત્ર બેથી ત્રણ સેકન્ડનો જ છે પરંતુ બીજેપીને મજાક ઉડાવવા માટે મુદ્દો મળી ગયો છે. આ સમગ્ર વિવાદમાં કારણ રહેલ ધારાસભ્ય રજનીશસિંહે કમલનાથને પિતાતુલ્ય ગણાવી વિવાદને હવા આપી હતી. અહેવાલ મુજબ, હિમાચલના પૂર્વ રાજ્યપાલ ઉર્મિલાસિંહને શ્રદ્ધાંજલિ આપવા કમલનાથ ર૦ જૂનના રોજ સિબની જિલ્લાના ઘૂરવાડા ગામ ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, દિવંગત કોંગ્રેસ નેતાના ફોટો પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ કમલનાથ જેમ આગળ વધ્યા કે તરત જ કોંગ્રેસ ધારાસભ્ય રજનીશસિંહે સ્ફૂર્તિથી કમલનાથને જૂતા પહેરાવી દીધા. આ અંગે તેમણે જણાવ્યું કે તેમણે કશું ખોટું કર્યું નથી. તેમણે જણાવ્યું કે, જૂતાઓના જમાવડામાં કમલનાથને જૂતા શોધવાનું મુશ્કેલ થઈ પડ્યું હતું. એમણે તો ફક્ત મદદ કરી છે. આ વાતને બેકાર હવા અપાઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. રજનીશસિંહે કબૂલ કરતા કહ્યું કે, સિબનીની કેવલારી સીટ પર કમલનાથને કારણે કોંગ્રેસના ધારાસભ્ય બની શક્યા છે. રજનીશે દાવો કર્યો કે, કમલનાથના આશીર્વાદથી જ એમને પિતાનો વારસો મળ્યો છે. જો કે, બીજેપીએ આ મુદ્દે કટાક્ષ કરીને આનંદ લીધો હતો.