(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
ઇતિહાસમાં પ્રથમ વાર મધ્યપ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટે કોંગ્રેસ અને બહુજન સમાજ પક્ષ (બસપ) વચ્ચે ચૂંટણી સમજૂતી લગભગ થઇ જશે. કોંગ્રેસ અને બસપ રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ આવું ચૂંટણી જોડાણ કરવાની વિચારણા કરી રહ્યા છે. મધ્યપ્રદેશ કોંગ્રેના નવા વડા નિયુક્ત કરાયેલા કમલનાથે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને બસપના ચૂંટણી જોડાણના અહેવાલોને સમર્થન આપ્યું છે અને જણાવ્યું કે ચૂંટણી જોડાણ કરવા માટે માયાવતી સાથે મંત્રણા કરનારાઓમાં તેમનો પણ સમાવેશ થાય છે.
સમગ્ર મધ્યપ્રદેશમાં છેલ્લા ૨૦ વર્ષથી માયાવતીનો વોટ શેર ૭ ટકા છે. જો છેલ્લી ચૂંટણીઓનો કોંગ્રેસનો વોટ શેર તેમાં ઉમેરવામાં આવે તો તે ૩૭ ટકા થાય છે. ત્યારે કોંગ્રેસ અને બસપનું જોડાણ ભાજપને આંચકો આપી શકે છે. મધ્યપ્રદેશમાં ભાજપનો વોટ શેર ૪૫ ટકા છે. છેલ્લા ત્રણ સત્રથી મધ્યપ્રદેશમાં સત્તામાં રહેલી ભાજપ સરકાર સામે વિરોધી મોજું છે. તાજેતરમાં લોકનીતિ-સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સૂચવવામાં આવ્યું હતું કે મધ્યપ્રદેશમાં સરકાર વિરોધી લહેર રાજસ્થાન કરતા પણ વધુ ખરાબ છે.
૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપનો સામનો કરવા સંગઠિત વિપક્ષ માટે કોંગ્રેસ અને બસપના જોડાણના મહત્વનો ઓછું આંકી શકાય નહીં. માયાવતી સાથેની બેઠકમાં કમલનાથ બે વિકલ્પો – ચૂંટણી પૂર્વેનું પરંપરાગત જોડાણ અને બીજો વ્યૂહાત્મક સમજૂતી ચકાસી રહ્યા હતા. વ્યૂહાત્મક સમજૂતીનો અર્થ દરેક મતવિસ્તારમાં ભાજપના મત તોડી શકે એવા ઉમેદાવારો ઉભા રાખવાનો છે. સૂત્રોેએ જણાવ્યું છે કે બસપ સાથે જોડાણ કરવા માટે માયાવતી સાથે મંત્રણા કરવાનો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કમલનાથને છૂટોદોર આપ્યો છે.