(એજન્સી) તા.૨૩
કેરળ સરકાર સદીના સૌથી ખરાબ અને ભયાનક પ્રચંડ પૂરની આપત્તિના ભોગ બનેલા લોકોનું પુનર્વસન કરવા કમર કસી રહી છે. આ ચોમાસા દરમિયાન ૩૫૦થી વધુ લોકોના મોત થયા છે અને ૧૨ લાખ લોકો અત્યારે રાહત છાવણીઓમાં આશ્રય લઇ રહ્યા છે. કેરળ વિધાનસભાનું સત્ર ૩૦ ઓગસ્ટે આગામી ગુરુવારે પુનર્વસન કામગીરીની ચર્ચા માટે બોલાવવામાં આવ્યું છે. કેબિનેટ બેઠકમાં પૂરગ્રસ્તો માટે ખાસ પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે અને તે નાણાકીય સહાય માટે કેન્દ્રને રજૂ કરાશે. મુખ્ય પ્રધાન પી વિજયને જણાવ્યું હતું કે પ્રચંડ પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોનું પુનર્નિર્માણ કરવા તેમજ પૂરગ્રસ્તોના પુનર્વસન માટે મેગા ફંડની કેરળને જરુર પડશે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે કેરળ વધારાની લોન તરીકે રૂા. ૧૦ કરોડ ઊભા કરશે અને કેન્દ્રને લોનની રકમ વધારવા વિનંતી કરશે.
વિજયને જણાવ્યું હતું કે અમે સદીના સૌથી ભયાનક પૂરથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયા છીએ. જે નુકસાન થયું છે તે અમારી કલ્પનાની બહાર છે. અમે પૂરગ્રસ્ત પ્રદેશો માટે મેગા પુનર્વસન પેકેજ તૈયાર કરી રહ્યા છીએ. સરકાર લાંબાગાળાના પ્રોજ્ેક્ટ માટે નાબાર્ડ પાસેથી પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય માગશે. વિજયન કેબિનેટે પુનર્વસન માટે ભંડોળ ઊભું કરવા જીએસટી પર ૧૦ ટકાનો વધારાનો સેસ લાદ્યો છે. એસોચેમના અહેવાલ અનુસાર પૂરને કારણે રૂા. ૧૫૦૦૦થી રૂા.૨૦૦૦૦ કરોડનું નુકસાન થયું છે.
દરમિયાન મુખ્ય પ્રધાન પી વિજયને પૂરગ્રસ્તો માટે રૂા.૭૦૦ કરોડની રાહત આપનાર સંયુક્ત આરબ અમીરાત સરકારનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમીરાતની સહાય સમયસર અને સૌથી ઉદાર છે. કેરળ વતી હું તેમનો આભાર માનું છું. વિજયને પુનર્વસન પેકેજ રચવા માટે આજે સાંજે તિરુવન્તમપુરમમાં સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી. દરમિયાન રાજ્યમાં પૂરની સ્થિતિ ખાસ કરીને કુટનાદમાં હજુ પણ ગંભીર છે. પાંપા નદી ગાંડીતૂર બનતા પાણીની સપાટી ઝડપથી વધી રહી છે. સરકારે કુટનાદમાંથી બે લાખ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે.