(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૧૨
શહેરના મંગળબજારમાં વિસ્તારમાં સર્જાતા દબાણો માટે તેમજ લારી-પથારાનાં દબાણો દુર કરવા માટે કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.તંત્ર દ્વારા મંગળબજારમાં રેલીંગ નાખવાની કામગીરી હાથ ધરાતા મંગળબજારનાં વેપારીઓએ તેના વિરોધમાં બે દિવસથી બંધ પાળી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જોકે, આજે વેપારીઓનાં વિરોધ વચ્ચે દુકાનો પાસે રેલીંગ નાખવાની કામગીરી ચાલું રાખવામાં આવી હતી.
આજે પણ રેલીંગ નાખવાની કામગીરી શરૂ કરાતા વેપારીઓએ વિરોધ શરૂ કર્યો હતો. હોબાળો મચતા સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન સતીષ પટેલ પણ મંગળબજાર દોડી આવ્યા હતા. દરમિયાનમાં સ્થળ પર આવી પહોંચેલા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, કાઉન્સીલર ફરીદ કટપીસવાલાએ વેપારીઓ સાથે રહી સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને કોર્પોરેશન સામે ભારે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મંગળબજારનાં રેલીંગ લગાવવાનાં વિરોધમાં બે દિવસથી વેપારીઓ બંધ પાળીને વિરોધ વ્યકત કરી રહ્યાં છે. આજે પણ દુકાનો બંધ રહી હતી અને વેપારીઓએ બેનરો લગાવી વિરોધ વ્યકત કર્યો હતો. આ અંગે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સતીષ પટેલે જણાવ્યું હતું કે, મંગળબજારમાં લારી-પથારાવાળાઓનો ત્રાસ દુર કરવા પોલીસ તંત્ર સાથે વિચાર વિમર્શ કરી રેલીંગ નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી વેપારીઓને કોઇ નુકસાન નથી અને જો ગ્રાહકોને તકલીફ પડશે તો સ્થળ તપાસ કરીને હું જાતે રેલીંગ દુર કરાવાની ખાત્રી આપું છું તેમ જણાવી હાલ રેલીંગ નાખવાની કામગીરી બંધ નહીં થાય તેમ જણાવ્યું હતું.