(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા. ૧૮
ગુજરાતમાં બહાર આવેલ મયફળી કાંડે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે અને વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા દ્વારા આ મુદ્દે રાજ્યમાં ઉપવાસ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મગફળી કાંડ મામલે તપાસ કમિશનની રચના કરવાની જાહેરાત કરી છે.વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી મગફળીકાંડને લઈને આકરા પ્રહાર થકી રાજ્યની ભાજપ સરકારને બરોબરની ભીંસમાં લીધી હતી. વિપક્ષ નેતા પરેેશ ધાનાણીએ તો આ મુદ્દે રાજ્યમાં ઠેર-ઠેર ઉપવાસ આંદોલન પણ હાથ ધર્યું હતું. કરોડો રૂપિયાની મગફળી સળગાવી દેવા સહિતના આ મસમોટા કૌભાંડ અંગે રાજ્યભરમાં ભારે ચર્ચા બાદ હવે આખરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મગફળીકાંડ મામલે ન્યાયિક તપાસ પંચની રચના કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
કમિશન ઓફ ઈન્કવાયરી એક્ટ હેઠળ મુખ્યમંત્રી રૂપાણીએ આજે હાઈકોર્ટના નિવૃત્ત જજ એચ.કે. રાઠોડની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરી હતી. હવે આ તપાસ કમિશન મગફળી સળગાવી દેવા સહિતના સમગ્ર મામલા અંગેની તપાસ કરી તેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરશે.આ મૃદ્દે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગોેંડલ, શાપર (વેરાવળ), હાપા (જામનગર), ગાંધીધામ (કચ્છ) એમ ચારેક ગોડાઉનમાં મગફળીના જથ્થામાં લાગેલી આગ અંગે સરકારે શરૂઆતથી જ સી.આઈ.ડી. ક્રાઈમને તપાસ સોંપી હતી અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીને પણ આ તપાસમાં જોડી હતી. આ તપાસ પ્રક્રિયા ચાલુ છે અને રાજ્ય સરકાર કોઈપણ દોષિતને છોડવાની નથી. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કેટલીક મંડળીઓ દ્વારા મગફળીમાં ભેળસેળ અને પથ્થર, માટી, ઢેફા મિક્સ કરવાની વિગતો ધ્યાને આવી હતી. આવી કૃત્યો કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા સરકાર કટિબદ્ધ છે.