(સંવાદદાતા દ્વારા) જંબુસર, તા.૧૪
જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ પાસે આવેલ ક્રિસન્ટ ફાઉન્ડરી કંપનીમાં કામદાર લોખંડ ઓગાળવાની ભઠ્ઠીમાં પડી જતાં આગની જવાળાઓમાં લપટાઈ જતા મોતને ભેટ્યો હતો. વેડચ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુજ્જફનગર, યુપી ખાતે રહેતો અને કંપનીના પ્લાન્ટમાં એન્જિનિયરના હોદ્દા પર નોકરી કરતો આઝાદકુમાર પરમસિંગ કુમાર પ્લાન્ટની મુલાકાતે ગયા હતા. ત્યારે અચાનક પ્લાન્ટમાં આવેલ લોખંડ ઓગાળવાની ભઠ્ઠીમાં પડી જતા આખુ શરીર સળગીને ભઠ્ઠીમાં ઓગળી જતાં ઘટના સ્થળે જ તેમનું કરૂણ મોત નિપજ્યું હતું.આ બનાવનાં સંદર્ભે પત્રકારો માહિતી લેવા કંપની ખાતે ગયા હતા. ત્યારે કંપનીના સત્તાધીશો મીડિયાથી કાંઈક છૂપાવવા માંગતા હોય એમ શંકાસ્પદ વર્તણૂક કરતા હતા. તેમજ કંપનીના કર્મચારીઓ સંતોષકારક માહિતી પણ આપતા ન હોતા. બીજી તરફ વેડચ પોલીસ મથકના પી.એસ.આઈ.નો આ બાબતે સંપર્ક સાધતા તેઓ પણ મીડિયા સુધી હકીકત ન પહોંચે તેવા પ્રયત્નો કરતા હોય તેમ જણાઈ આવ્યું હતું. ઉપરાંત કંપનીમાં કામ કરતા આધારભૂત સુત્રોમાંથી જાણવા મળેલ છે કે, કંપનીમાં કામદારો સેફટીના સાધનો વગર જ કામ કરી રહ્યા છે. જેથી હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે, પોલીસ કંપની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે ખરી ?
પરપ્રાંતિય કામદારનું લોખંડ ઓગાળવાની ભઠ્ઠીમાં પડી જવાથી કમકમાટી ભર્યું મોત

Recent Comments