અમદાવાદ,તા.૧
શહેરમાં વાદળછાંયા વાતાવરણ હવામાનમાં ભેજને લીધે રોગચાળો વકર્યો છે. મનપાના હેલ્થ ખાતાની બેદરકારીને લીધે શહેરમાં પાણીજન્ય રોગચાળામાં વધારો જોવા મળ્યો છે. અતિગંભીર બાબત એ કે, શહેરમાં કોલેરાના કેસોમાં પણ ચિંતાજનક વધારો થયો છે. મનપાના હેલ્થ ખાતાએ જાહેર કરેલા આંકડા મુજબ, શહેરમાં ૧થી ૨૮ જુલાઈ દરમિયાન કોલેરાના ૨૮ કેસ નોંધાયા છે જે ગત વર્ષ જુલાઈમાં માંડ ૧૪ હતા. શહેરના રામોલમાં સૌથી વધુ કોલેરાના છ કેસ નોંધાયા હતા. ગટરના પાણી પીવાના પાણીમાં ભળી જાય તેવા સંજોગોમાં કોલેરા થવાનો ભય ઊભો થાય છે. આ વખતે શહેરમાં પ્રદૂષિત પાણીની ફરિયાદોના ઉકેલમાં મનપા તંત્રએ ઘોર બેદરકારી દાખવી હતી. અમદાવાદ શહેરમાં ઉનાળાની સિઝનમાં પાણીજન્ય રોગચાળો વધે છે પણ આ વખતે તો ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે પણ પાણીજન્ય રોગચાળામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં ૧થી ૨૮ જુલાઈ દરમિયાન ઝાડાઊલટીના ૯૬૭, કમળાના ૫૫૮, ટાઇફોઇડના ૪૨૩ અને કોલેરાના ૨૮ કેસ નોંધાયા હતા જે ગત જુલાઈ ૨૦૧૭ની સરખામણીએ વધારે છે.
ગત જુલાઇ ૨૦૧૭ના મહિનામાં કમળાના ૨૫૬, ટાઇફોઇડના ૩૪૯ અને કોલેરાના ૧૪ કેસ નોંધાયા હતા. આ સિવાય શહેરમાં છેલ્લા ૨૮ દિવસમાં સાદા મેલેરિયાના ૪૬૧ દર્દી હોસ્પિટલમાં દાખલ થયા છે એટલે કે, શહેરમાં પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે સાથે મચ્છરજન્ય રોગચાળો પણ માથુ ઊંચકી રહ્યો છે. ઝેરી મેલેરિયાના ૮ અને ડેન્ગ્યૂના ૩૫ કેસ હૉસ્પિટલોમાં નોંધાયા હતા. ચીકનગુનિયાના ૬ દર્દી હૉસ્પિટલમાં દાખલ થયા હતા. મનપાના ઇજનેર ખાતા અને હેલ્થ ખાતા વચ્ચે સંકલનનો અભાવ છે જેથી પ્રદૂષિત પાણીની ફરિયાદ આવે તો પણ નિયત સમયમાં તેનો નિકાલ થતો નથી.