ઉના,તા.૩૧
ઉના પંથકમાં કમળાના રોગએ કહેર મચાવ્યો હોય તેમ સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આ કમળાના ગંભીર રોગ ફેલાતા ગામોમાં વસતા ચાલીસ જેટલા લોકોને રોગની બિમારી થતા હોસ્પિટલના બીછાને દાખલ કરાયા હતા. છેલ્લા દોઢ માસથી લોકો આ બિમારીમાં સપડાય રહ્યા છે. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં દવાનો છટકાવ કરવાની જરૂર છે. ચોમાસુ નજીક આવતુ હોય અને તેના પાણીથી જ્યા ત્યાં ગંદકી પણ થતી હોય છે. તેમાંથી ઉત્પન થતા મચ્છરોના કારણે લોકોને આરોગ્યને ગંભીર અસર પડે છે. જો ચોમાસા પહેલાં આરોગ્યના જવાબદાર તંત્ર દ્વારા અગાઉથી આ રોગને ગંભીરતાથી ધ્યાન દોરી કાબુમાં લેવા દવાનો છટકાવ કરવામાં આવે તેમજ ધરે ધરે તપાસ કરી રોગને વધુ ફેલાય નહી સારવાર કરાવમાં આવે તેવી માંગણી ઉઠવા પામેલ છે. ઉના પંથકમાં કમળાના દર્દીઓની સંખ્યા વધતી જતી હોય અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. આ કમળો ભયંકર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગે ચકાસણીના કેમ્પ કરવા જોઇએ.
હાલ ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કમળાએ માથુ ચક્યુ છે અને ખાનગી હોસ્પિટલમાં તપાસ કરતા દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ઉના પંથકના લોકો સુરત શહેરમાં વસવાટ કરતા હોય અને કમળાના રોગમાં સપડાયા બાદ છેલ્લાં એક માસથી વધુ સમયથી કમળાની સારવાર કરાવી રહ્યા છે.
કમળાના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળે છે : ડો નંદાભાઇ ગૈદાની
ઉનાના નામાંકીત તબીબ નંદાભાઇ ગૈદાનીના જણાવ્યા મુજબ હાલ કમળાના દર્દીની સંખ્યા વધુ જોવામળી છે. જેમાં ઉના પંથકના સુરતમાં વસવાટ કરતા લોકો કમળાના રોગમાં સપડાતા સારવાર અર્થે ઉના તેમના વતનમાં આવી પહોચ્યા છે. તે સિવાય ઉના પંથકના લોકો પણ કમળાના કહેરમાં સારવાર લઇ રહ્યા છે.
તાલુકામાં કમળાના દર્દીઓની સંખ્યા ધ્યાને આવી છે : બ્લોક હેલ્થ ઓફિસર
ઉના તાલુકા બ્લોક હેલ્થ ઓફિસરનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે તાલુકામાં કમળાના દર્દીઓની સંખ્યા જોવા મળી છે. જે ગંભીર બાબત છે. કમળાના રોગને કાબુમાં લેવા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પીવાના પાણીનું ક્લોરીનેસન કરવામાં આવેલ છે. તેમજ સ્વચ્છતા અંગેની જાગૃતી ગ્રામ્ય વિસ્તારમાં આવે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. હાલ એફએ ડબલ્યુ, એમપી ડબલ્યુ તેમજ આશા બહેનો સહિત ૮૪થી વધુનો સ્ટાફ આરોગ્યલક્ષી કામગીરી કરી રહેલ છે.
આ ગામોમાં છે કમળાના વધુ કેસો
ઉના ગીરગડઢા તાલુકાના ઉગલા, વેળાકોટ, ઉમેજ, દ્રોણ, સંજવાપર, ભડિયાદર, ઉગલા, પસવાળા, ઉંટવાળા, સોંદરડા, પડા, સનવાવ, સામતેર, ધોકડવા, નાથળ, ભાડા, મોઠા, ગાંગડા, તેમજ નેસડા સહિતના આ ગામોમાં કમળાના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળે છે.