(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૦
રાજ્યભરના શહેર, જિલ્લા કે તાલુકાઓમાં દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન રસ્તાઓ બેસી જવા કે ધોવાણ થવાના કારણે ખૂબ જ ખરાબ હાલત થઈ જાય છે. વાહનો લઈ પસાર થવું મુશ્કેલ બને છે. ચાલુ વર્ષે પણ રાજ્યભરમાં રસ્તાઓની હાલત આવી જ થઈ છે. આથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી દિવાળી પહેલા રાજ્યના નગરો, મહાનગરો સહિતના માર્ગો-રસ્તા મરામતના કામ પૂર્ણ કરવા અત્યારથી જ માસ્ટર પ્લાન તૈયાર કરી દેવા આહ્‌વાન કર્યું છે. રાજ્યની ૧૬ર નગરપાલિકાઓ, ૮ મહાપાલિકાઓ અને બે શહેરી વિકાસ સત્તામંડળોને સર્વાંગી વિકાસ કામો માટે રૂા. ર હજાર કરોડની રકમના ચેક અર્પણ કરવાના સમારોહના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નગરો અને મહાનગરોના સત્તાતંત્રો કામોની પ્રાયોરિટી નક્કી કરે. આ માટે રાજ્ય સરકાર સ્થાનિક વિકાસ કામો માટે નાણાંની કોઈ કચાશ રહેવા દેશે નહીં. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકાર હવે સામે ચાલીને સ્થાનિક સ્વરાજ્યની આવી સંસ્થાઓ, નગરપાલિકાઓ-મહાપાલિકાઓને વિકાસકામો માટે ગ્રાન્ટ આપે છે. ભૂતકાળમાં સરકારોને ઓવરડ્રાફટ લેવો પડતો, શહેર સુખાકારી અને નાગરિક સુવિધાના કામો માટે નાણાં પૂરતા ફાળવાતા ન હતા. રાજ્યમાં છેલ્લા બે દાયકાથી એ સ્થિતીમાં બદલાવ લાવીને હવે સરકાર બજેટમાં જે કાંઇ નિર્ધારીત કરે છે તે બધું જ વિકાસકામો માટે સમયસર આપે છે તેવી ફાયનાન્સિયલ ડિસીપ્લીન સાથે કામ કરીયે છીયે તેમ તેમણે ગૌરવ સાથે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓને પણ ફાયનાન્સિયલ ડિસીપ્લીનથી કામોનું આયોજન કરવા અનુરોધ કરતાં જણાવ્યું કે નાગરિકોને રોજ-નિયમીત પીવાનું પાણી મળે, ડ્રેનેજ અને એસટીપીના કામો સત્વરે પૂર્ણ થાય, રિયુઝ અને રિસાયકલીંગ ઓફ ટ્રીટેડ વોટરનો ઉપયોગ તેમજ તળાવો ઊંડા કરવા જેવા જળસંચયના લાંબાગાળાના કામો દ્વારા સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટથી નગરોને રહેવાલાયક-માણવાલાયક બહેતરીન સુવિધાઓ આપવાનું આપણું લક્ષ્ય છે. તેમણે નગરોમાં ૧પ મીટર સુધીની ઊંચાઈના મકાનો-ઇમારતો માટે ઓનલાઇન નકશા પાસ કરવા, સ્લમ રી-ડેવલપમેન્ટ નિતીના કામો વેળાસર પાર પાડવા અને ગ્રીન કલીન સિટીઝ નિર્માણ માટે ઘરે-ઘરેથી ગાર્બેજ કલેકશન, ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન વગેરેની ભારપૂર્વક પણ હિમાયત કરી હતી.