અમદાવાદ, તા.પ
રાજ્યમાં ઓખીને પગલે અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદને પરિણામે ખેતરોમાં ઉભા એવા શિયાળુ પાકો કે જેમાં જીરા.કપાસ અને ધાણા સહિતના પાકોનો સમાવેશ થાય છે જ્યારે મગફળીના પાકને ભારે નુકસાનના પગલે ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાવા પામ્યો છે. હાલ શિયાળુ પાક તૈયાર થઈને ઉભો છે જેમાં ઘંઉ, જીરા, કપાસ,ધાણા સહિતના પાક ઉપર કમોસમી વરસાદ પડતા ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની ભીતી પ્રબળ સંભાવના ઉભી થઈ છે.એક તરફ ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળ્યા નથી.ત્યાં બીજી તરફ ઓખી વાવાઝોડાના પરિણામે હવામાનમાં આવેલા પલ્ટા અને કમોસમી વરસાદને પગલે હવે ઉભા શિયાળુ પાકને નુકસાન પહોંચતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આ સાથે જ વિવિધ શાકભાજી કે જેમાં કારેલા,દૂધી,ટામેટા,રીંગણ જેવા પાકો ઉપર પણ કમોસમી વરસાદને પગલે આ પાકોમાં જીવાત પડવાની શકયતા વધી જતી હોઈ શાકભાજી ઉગાડીને બેઠેલા ખેડૂતોને પણ વ્યાપક નુકસાન થવાની સંભાવના છે.
ઓખી વાવાઝોડાને પગલે મગફળીને મોટું નુકસાન થવાની આશંકા છે. ઓખી વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવતાં વરસાદ છાંટા પડ્યા હતા. મગફળી પલતી હોવાની જાણ થતાં યાર્ડના સત્તાધીશોએ યાર્ડ ખાતે આવીને પલળતી મગફળીને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે, નુકસાનનો આંકડો સર્વે બાદ જ બહાર આવશે.
રાજકોટના બેડી યાર્ડમાં ખૂલ્લામાં મગફળીની ૬૦ હજાર ગુણી પડી છે. વરસાદથી બચાવવા માટે મગફળી ઉપર તાડપત્રી ઢાંકવામાં આવે છે. છતાં પણ પવન સાથે વરસાદી વાતાવરણથી મગફળીને મોટાપાયે નુકસાન થવાની સંભાવના છે. મગફળી પલળતી હોવાની જાણ થતાં યાર્ડના સત્તાધીશો યાર્ડ ખાતે આવીને મગફળીને પલળતી બચાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. આજ મુજબ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ મગફળીના પાકને નુકસાન થવાની સંભાવના છે.